ગાંધીનગર : રાજ્યમાં એક પછી એક પાંચ મંત્રીઓ તથા 12 ધારાસભ્યો કોરોના સંક્રમિત આવ્યા હતા. હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં બેસતા નાયબ માહિતી નિયામક ઉદયભાઈ વૈષ્ણવ તથા મુખ્યમંત્રી સલામતીના ડીવાયએસપી અને ડ્રાઇવર કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો વીઆઈપીની સુરક્ષામાં તહેનાત 17 જવાનો પણ કોરોના સંક્રમિત આવ્યા છે.
DYCM નીતિન પટેલની ઓફિસમાં ત્રણ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. નીતિન પટેલના 2 કમાન્ડો અને 1 પટાવાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણ સ્ટાફનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. તાજેતરમાં જ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમના પીએ રિનીશ ભટ્ટ અને સેક્રેટરી મનોજ પટેલ પણ કોરોના ગ્રસ્ત થઇને હોમ આઇસોલેટ થયા છે.
એપ્રિલ મહિનાની વાત કરીયે તો માત્ર છ દિવસમાં જ એક્ટિવ કેસની સંખ્યામાં ચાર હજાર 738નો વધારો થયો છે. આઠ મહાનગરોમાં નોંધાયેલા નવા કેસમાં અમદાવાદમાં 798, સુરતમાં 615, વડોદરામાં 218, રાજકોટમાં 321 , જામનગરમાં 81, ભાવનગરમાં 5 , જૂનાગઢમાં 21 અને ગાંધીનગરમાં નવા 38 કેસ નોંધાયા હતા. અમદાવાદ અને સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં વધુ સાત સાત દર્દીનો કોરોનાએ ભોગ લીધો હતો . જ્યારે વડોદરા શહેરમાં એક અને રાજકોટ શહેરમાં બે દર્દીના મૃત્યુ થયા છે.
રાજ્યમાં હાલ 17 હજાર 348 લોકો છે સારવાર હેઠળ છે. જે પૈકી 171 લોકો છે વેન્ટિલેટર પર તો 17 હજાર 177 લોકોની સ્થિતિ છે જે સ્ટેબલ છે.અત્યાર સુધીમાં રાજ્યમાં 3 લાખ 24 હજાર 881 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જે પૈકી 3 લાખ 2 હજાર 93 લોકો કોરોના સામેની જંગ જીતી ગયા છે. જ્યારે 4598 લોકોના મોત થયા છે .