રાજકોટ : ગુજરાત રાજ્યનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ રાજકોટ શહેરમાં 18મી માર્ચના રોજ નોંધાયો હતો. ત્યારે કોરોના સંક્રમણને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન પાર્ટ 1 થી શરૂ કરી હાલ અનલૉક પાર્ટ 6 શરૂ છે. 18મી માર્ચથી જ રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટવાસીઓનું સ્વાસ્થ્ય જોખમાય નહીં તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તાર કે જ્યાં સૌથી વધુ કોરોના વાયરસના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. ત્યાં પણ રાજકોટ શહેર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા 24 કલાક ખડેપગે રહી કામગીરી કરવામાં આવી હતી. ખુદ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પણ અવારનવાર જંગલેશ્વર વિસ્તારની મુલાકાત લેતા હતા. શહેર પોલીસ દ્વારા જંગલેશ્વર સહિતના કોરોના ગ્રસ્ત વિસ્તારોના લોકોને જમવાનું મળી રહે તે બાબતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જે માટે રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રોજના 40 હજારથી વધુ લોકો જમી શકે તે માટેનું ભોજન પણ તૈયાર કરવામાં આવતું હતું.
ત્યારે આ તમામ કામગીરીની વચ્ચે અત્યાર સુધીમાં ફરજ બજાવતા રાજકોટ શહેર પોલીસના 226 અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારે 226 પૈકી 194 કોરોના વોરિયર્સ સ્વસ્થ થયા બાદ વધુ જોશ સાથે હાલ રાજકોટવાસીઓની શાંતિ અને સુખાકારી માટે ફરજ પર હાજર થઈ ચૂક્યા છે. તો હજુ પણ 33 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની સારવાર શરૂ છે. તો અત્યાર સુધીમાં રાજકોટ ગ્રામ્યના 125 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રુમમાં ફરજ બજાવતા પી.પી.ગોહિલ નામના અધિકારીને કોરોના ના કારણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે હાલ કોરોના મહામારી ના કારણે રાજકોટ સહિત રાજ્યભરના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂનું નિર્માણ થયું છે. ત્યારે પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા દિવસે અને રાત્રે 24 કલાક ફરજ બજાવવામાં આવી રહી છે. રાત્રી કર્ફ્યૂ દરમિયાન હેરાન પરેશાન થનાર રાજકોટ વાસીઓની મદદ પણ કરવામાં આવી રહી છે.