રાજકોટ : રાજકોટ શહેર પોલીસના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા વધુ એક સ્પાની આડમાં ચાલતાં કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પી.એસ.આઇ અસલમ અન્સારી અને તેમની ટીમ દ્વારા દિપેનભાઇ બહાદુર ભાઈ રાવલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કે સંદીપ નામના આરોપીની ધરપકડ કરવાની બાકી છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ સહિત કુલ 11200 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
News18 ગુજરાતી સાથેની વાતચીતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીએસઆઇ અસલમ અન્સારીએ જણાવ્યું હતું કે, અમારી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ન્યૂ જલારામ સોસાયટી, મહુડી રોડ, આઇસીઆઇસી બેન્ક પાસે નીલ સ્પા આવેલું છે. ત્યાં સ્પા ના ઓઠા હેઠળ દેહ વ્યાપાર નો ધંધો ચલાવવામાં આવે છે. ત્યારે ચોક્કસ બાતમીના આધારે અમારી ટીમ દ્વારા નીલ સ્પા માં રેડ કરવામાં આવતાં ત્યાં દેહવ્યાપારનો ધંધો થતો હોવાનું સામે આવ્યું છે. રેડ દરમિયાન દીપેન બહાદુરભાઇ રાવલ કે જે મેનેજર તરીકે કામ કરતો હતો તે મળી આવ્યો, તેમજ ત્રણ ભોગ બનનાર સ્ત્રીઓ કે જે જયપુર રાજસ્થાન, દિલ્હી તેમજ મણિપુરની વતની હોવાનું સામે આવ્યું છે. અમારી ટીમ દ્વારા 5700 રૂપિયા રોકડા બે મોબાઇલ તેમજ ડીવીઆર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
નીલ સ્પા માં મેનેજર તરીકે કાર્યરત દિપેનભાઇ રાવલ એક ગ્રાહક દીઠ 2300 રૂપિયા લેતો હતો. જે પૈકી ભોગ બનનારને તે પંદરસો રૂપિયા આપતો હતો. જ્યારે 800 રૂપિયા પોતે રાખતો હતો. આ સમગ્ર ગોરખ ધંધાની જાણ નીલ સ્પા ના સંચાલક સંદીપને પણ હોઈ પોલીસે તેની વિરુદ્ધ પણ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ 1956ની કલમ 3,4,5 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આગળની તપાસ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈને મોકલી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના યુનિવર્સિટી રોડ પરથી સની ભોજાણી નામના સ્પા સંચાલક દ્વારા સ્પા ના ઓઠા હેઠળ ચલાવવામાં આવતા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. જે બાબતે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સની ભોજાણી નામના શખ્સ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી છે.