રાજકોટ : સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની સૌપ્રથમ એઇમ્સ હોસ્પિટલ રાજકોટમાં બનવા જઈ રહી છે. ત્યારે એઇમ્સ હોસ્પિટલનું મેડિકલ કોલેજ શિક્ષણકાર્ય સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે.
News18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ એઈમ્સ હોસ્પિટલના ડેપ્યુટી ડાયરેકટર શ્રમ દીપ સિંહાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય અને સુરક્ષા યોજના અંતર્ગત રાજકોટના ખંઢેરી ખાતે 1195 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે એઇમ્સ હોસ્પિટલની મેડીકલ કોલેજનું શિક્ષણ કાર્ય આગામી સોમવારને 21 ડિસેમ્બર 2020ના રોજ શરૂ થવા જઈ રહ્યું છે. મેડિકલ કોલેજની શરૂઆત પ્રથમ 50 વિદ્યાર્થીઓની બે બેન્ચથી કરવામાં આવશે. ત્યારે આ માટે 17 જેટલા શિક્ષકોની નિમણૂક પણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોના સ્વાગત માટેનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધન તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વર્ચ્યુલ માધ્યમથી જોડાશે.
વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે મુખ્ય ત્રણ વિષયો અંગે અભ્યાસ કરાવવામાં આવશે. જે વિષયોમાં એનાટોમી, ફીઝ્યોલોજી અને બાયો કેમેસ્ટ્રીનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ લાઇબ્રેરીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. સાથે જ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે અદ્યતન લેબ પણ બનાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ એઇમ્સ હોસ્પિટલનું ખાતમુર્હૂર્ત કરવામાં આવશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તો અગાઉ જ કહી ચૂક્યા છે કે 2022 પહેલા હોસ્પિટલનું લોકાર્પણ કરી દેવામાં આવશે. હોસ્પિટલનું લોકાર્પણ થતાની સાથે જ સૌરાષ્ટ્ર ભરના દર્દીઓને સારવાર લેવા માટે અમદાવાદ મુંબઈ કે દિલ્હી સુધી લંબાવવું પડશે નહીં.