સુરત : સુરતમાં ફરી એકવાર બાળકી સાથે શારીરિક છેડછાડની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પિતાની ઉંમરના આધેડે એક નહીં પણ બે બાળકીની છેડતી કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આધેડ બાળકીઓને મોબાઈલમાં અશ્લિલ વીડિયો બતાવી છેડછાડ કરતો હતો. બાળકીના પરિવારે આ યુવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરતના ઉધના વિસ્તારમાં આવેલ પટેલ નગર ખાતે રહેતા 60 વર્ષીય આધેડના ઘરની નજીક રહેતી પાડોશીની 6 વર્ષીય અને 4 વર્ષીય માસુમ ગતરોજ પોતાના ઘર નજીક રમતી હતી. ત્યારે આ આધેડે કોઈ લાલચ આપીને આ બંને બાળકી પોતાના ઘરમાં બોલાવી હતી અને બંનેને મોબાઈલમાં અશ્લિલ વીડિયો બતાવી બંને બાળકી સાથે આધેડ શારીરિક છેડછાડ કરવા લાગ્યો હતો. જોકે ગભરાયેલ બાળકી રડવા લાગતા પાડોશી ત્યાં એકત્ર થઇ જતા આ આધેડની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો.
આધેડની કરતૂતોને લઈને બાળકીનો પરિવાર 60 વર્ષીય અશોક શિવલાલ ગુપ્તા વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચ્યો હતો. આ આધેડ વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.