રાજ્યસભાના સાંસદ (Rajyasbha MP) અને રાજકોટના ભાજપના નેતા અભય ભારદ્વાજનું (Abhay Bhardwaj Death) કોરોના વાયરસની સારવાર દરમિયાન નિધન થયું છે. આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યુ છે. અભય ભારદ્વાજની ચેન્નાઇ સારવાર શરૂ હતી પરંતું મલ્ટીપલ સમસ્તેયાઓનાં કારણે તેમને રિકવરી આવી રહી નહોતી. છેલ્લા કેટલાય મહિનાથી તેઓ હૉસ્પિટલના બિછાને હતા. દરમિયાન આજે સવારે તેમનું કાર્ડિયાક એરેસ્ટના કારણે નિધન થયું છે. અભય ભારદ્વાજને વડાપ્રધાન મોદી (PM Modi) સાથે અંગત સંબંધ હતો. તેઓ રાજ્યસભામાં ચૂંટાઈને ગયા બાદ પહેલી મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ તેમને 10 કિલો જેટલા પુસ્તકો ભેટમાં આપ્યા હતા.
એ મુલાકાત વિશે માહિતી આપતા અભયભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે ચૂંટાઇને આવેલા સાંસદો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કલાકનો સમય પણ ગાળ્યો હતો તો સાથોસાથ નવનિયુક્ત સાંસદોને તેમને પાંચ જેટલી શીખ પણ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવનિયુક્ત સાંસદોને કહ્યું હતું કે તમામ વિષયોમાં તમે પારંગત નહિ હોવ તો ચાલશે પરંતુ એક વિષય તમે એવો પસંદ કરો કે જેમાં તમારી પારંગતતા હોય.
સાંસદ અભય ભારદ્વાજ ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્ય સભાના સાંસદ બન્યા બાદ 10 કિલો જેટલા પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભયભાઈ ભારદ્વાજ ને કહ્યું હતું કે આ પુસ્તકોનો સારી રીતે અભ્યાસ કરી દિલ્હી પરત ફરજો. અભયભાઈ ભારદ્વાજે એ મુલાકતે વિશે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં માત્ર એક રાજા નહીં પરંતુ રાજાની સાથોસાથ ઋષિના પણ દર્શન મને દિલ્હીમાં થયા.
ઉલ્લેખનીય છે કે 31 ઓગસ્ટના રોજ રાજ્યસભા સાંસદ ભારદ્વાજ સહિત તેમના પુત્ર આકાશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમના પત્ની અને તેમના જમાઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સાથે જ અભય ભાઈ ભારદ્વાજના સ્ટાફના 6 વ્યક્તિઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
રાજકોટમાં રહેતા અને વ્યવસાયે વકીલ એવા અભય ભારદ્વાજનો જન્મ યુગાન્ડામાં થયો હતો.અભય ભારદ્વાજ રાજકોટ ભાજપના દિગ્ગજ નેતા ચીમનભાઈ શુક્લના સગા થાય છે. જુલાઈ 2019માં ગુજરાત સરકારે તેમને અન્ય એક ચર્ચિત જયંતી ભાનુશાળી મર્ડર કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે નીમ્યા હતા. આ ઉપરાંત કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ જેમાં આરોપી હતા તે સૂત્રાપાડા માઇનિંગ કેસમાં પણ તેઓ સરકારી વકીલ રહી ચૂક્યા છે.
નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્મા સામે સરકારે જે ક્રિમિનલ કેસ દાખલ કર્યો એમાં પણ તેઓ જ વકીલ હતા.રાજકોટની ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓનાં મૃત્યુના કેસમાં પણ તેઓ સરકારી વકીલ હતા.