કૉંગ્રેસ શુક્રવારે પીડિત પરિવાર સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં કલેક્ટર કચેરીમાં બાળકના પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી.
રાજકોટમાં (Rajkot) એક ઘોર બેદરકારી સામે આવી છે. બ્લડ બેંક (Blood Bank) દ્વારા થેલેસેમિયાગ્રસ્ત (Thalassemia) બાળકને લોહી ચેક કર્યા વગર જ સિવિલ હોસ્પિટલની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલને (K. T. Children Hospital) આપી દેવામાં આવ્યું હતું. જે બાદ હોસ્પિટલે પણ ચેક કર્યા વગર બાળકને લોહી ચડાવી દીધું. જે બાદ તપાસ કરતા બાળકનો HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે જોઇને જ પરિવાર હેબતાઇ ગયો હતો. આવી ઘોર બેદરકારીને કારણે પરિવારના વાહલસોયા દીકરાની જિંદગી જોખમમાં મુકાઈ છે. આ મામલો પ્રકાશમાં આવતા શહેર કૉંગ્રેસ શુક્રવારે પીડિત પરિવાર સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં કલેક્ટર કચેરીમાં બાળકના પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી.
મજૂર પિતાની ન્યાયની માંગ
પિતાએ આક્ષેપ કરતા જણાવ્યું કહ્યું હતું કે, હું કડિયા કામ, મજૂરી કરું છું, આ અમારો એકનો એક દીકરો છે. તેને પહેલેથી એક બીમારી સામે તો લડવું જ પડતું હતું, એમાં હવે આ બીજી દઇ દીધી. અત્યારસુધી તો મારો વહાલસોયો પુત્ર થેલેસેમિયાગ્રસ્ત હતો પણ બ્લડ બેંકની આટલી મોટી ભૂલને કારણે હવે HIVગ્રસ્ત થઈ ગયો છે. થેલેસેમિયાગ્રસ્ત હોવાથી જન્મ થયા બાદ દર 15 દિવસે અમે બ્લડ ચડાવતા હતા. હવે તેનો HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી માંગ એટલી જ છે કે, જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. બ્લડ બેંકવાળાએ લોહીની તપાસ કર્યા વગર જ ચડાવી દીધું છે. આવું બીજા કોઇ સાથે ન થાય એ માટે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
શહેર કૉંગ્રેસના ડૉ. હેમાંગ વસાવડા સાહિતના આગેવાનો કલેકટર ઓફિસ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં અવારનવાર બેદરકારી સામે આવે છે પણ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવતી ત્યારે હૉસ્પિટલમાં 700 જેટલા થેલેસેમિયાગ્રસ્ત લોકોને બલ્ડ ચડાવવામાં આવે છે. ત્યારે અન્ય લોકોને તો આ પ્રકારનું બલ્ડ તો ચડાવવામાં આવ્યું નથી તેની પણ તપાસની માંગ કરી હતી. આ સાથે હૉસ્પિટલનાં સત્તાધીશો સામે કોઈજ કડક કર્યાવહીની માંગ કરી છે.અમદાવાદ: તમને કોઇ કહે કે કારમાંથી ઓઇલ ટપકી રહ્યું છે તો થઇ જજો સાવધાન, ગઠિયાઓ આવી રીતે કરે છે ચોરી
સિવિલ હૉસ્પિટલનો બચાવ
આ બધા વચ્ચે સિવિલની બ્લડ બેન્ક જેમના હસ્તક આવે છે એવા ડૉ. ગૌરવી ધુ્રવે આ બાળકને સંપૂર્ણ સુરક્ષિત રક્ત જ ચઢાવાયું હોવાના દાવો કરે છે. તેમણે જણાવ્યું હતું કે ''લેટેસ્ટ - ફોર્થ જનરેશન કિટથી જ રક્તદાતાના બ્લડના ટેસ્ટ કરાતા હોય છે, જેમાં એચબી.એસ.એ.જી., એચ.આઇ.વી., વી.ડી.આર.એલ. અને હિપેટાઇટીસ - 'સી'ના રિપોર્ટ નોર્મલ આવે તો જ એ રક્ત અપાતું હોય છે. આ કિસ્સામાં પણ એમ જ થયું છે, જેનો પ્રાથમિક અહેવાલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને આરોગ્ય વિભાગને મોકલાઇ રહ્યો છે, હવે ઊપરથી જે રીતે તપાસના આદેશ આવે એ મુજબ કાર્યવાહી થશે.'
આ ઉપરાંત સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. પંકજ બૂચે પણ સિવિલમાં તમામ થેલેસેમિક બાળકોના દર છ મહિને એચ.આઇ.વી. ટેસ્ટ કરાતા હોવાનું જણાવ્યું છે. તેની સાથે તેમણે ઉમેર્યું કે, આ કિસ્સામાં પણ એવા ટેસ્ટ થકી જ ખબર પડી શકી છે.