અમદાવાદ : 'અમે કોલેજના રાજા છીએ,' GLSના સિનિયરોની દાદાગીરી, કૉંગ્રેસ નેતાના પુત્ર સામે ગુનો દાખલ
Updated: January 14, 2020, 9:29 AM IST
GLS કૉલેજની ફાઇલ તસવીર
સિનિયરો જૂનિયર વિદ્યાર્થીઓ પાસે પોતાના અંગત કામો કરાવીને કેફેના બિલો પણ ભરાવડાવતા હોવાની ફરિયાદ, કૉંગ્રેસના નેતાના પુત્ર સામે પણ ગુનો દાખલ.
અમદાવાદઃ નવરંગપુરા વિસ્તારમાં આવેલી જીએલએસ કોલેજમાં સિનિયરોની દાદાગીરી સામે આવી છે. જૂનિયર વિદ્યાર્થીઓ પાસે પોતાના અંગત કામો કરાવી કેફેના બિલો ભરાવડાવી ત્રાસ ગુજારતા હોવાની ફરિયાદ નવરંગપુરામાં નોંધાઇ છે. નવરંગપુરા પોલીસે આ મામલે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે કૉંગ્રેસના નેતા જયરાજસિંહના પુત્ર સામે ગુનો દાખલ કર્યો છે.
બોડકદેવમાં રહેતા શ્યામ ચકવાવાલા જીએલએસ કોલેજમાં એલએલબીમાં અભ્યાસ કરે છે. છેલ્લા ઘણા સમયથી તેઓ તેમના સિનિયરથી પરેશાન હોવાથી કંટાળીને તેમણે નવરંગપુરા પોલીસને એક અરજી આપી હતી. પોલીસે અરજી પર તપાસ કરીને આરોપી હર્ષ્યાદિત્યસિંહ પરમાર, ઉમંગ રબારી, દિગ્વિજય રબારી સામે ગુનો નોંધ્યો છે. શ્યામનો આક્ષેપ છે કે તેણે જૂન 2019માં એડમિશન લીધું હતું. ત્યારથી જ હર્ષ્યાદિત્યસિંહ પરમાર (જયરાજસિંહ પરમારનો પુત્ર) , ઉમંગ રબારી, દિગ્વિજય રબારી અવારનવાર ગાળો બોલી પોતે સિનિયર છે તેમ કહી ડરાવતા હતા. આ ત્રણેય કોલેજના રાજા છે, તેઓ કહેશે તેમ જ કરવું પડશે તેમ કહી કેફેના બિલો પણ શ્યામ પાસે ભરાવતા હતા.
થોડા દિવસ પહેલા સિંધુભવન રોડ પર શ્યામની ગાડીનો કાચ તૂટ્યો હતો. જેથી આ ત્રણેય શખ્સોએ તેઓ કહેશે તેમ નહીં કરે તો વધુ નુકસાન ભોગવવું પડશે તેમ કહી ધમકીઓ આપી ટપલીદાવ કર્યો હતો. આખરે નવરંગપુરા પોલીસે આઇપીસી 323,294બી, 506(1),114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published:
January 14, 2020, 8:51 AM IST