અમદાવાદ : કોરોનાની મહામારી વચ્ચે ઉત્તરાયણના પર્વની ઉજવણી થાય અને સંક્રમણ પણ ના ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ગાઇડલાઇન્સ પણ બહાર પાડવામાં આવી હતી. આ ગાડીનું ચુસ્તપણે પાલન થાય અને ઉત્તરાયણ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે અમદાવાદ શહેર પોલીસ ખડે પગે રહી હતી.
શહેર પોલીસ દ્વારા આ વર્ષે ખાસ કરીને ધાબા ઉપર મોટી સંખ્યામાં લોકો એકઠા ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. પોલીસે ડ્રોનની મદદથી સતત નજર રાખી હતી. તમામ વિસ્તારોમાં પોલીસે ડ્રોન ઉડાડીને ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકઠા ન થાય, લાઉડસ્પીકર ના વગડવામાં આવે તે માટે વિશેષ તકેદારી રાખી હતી.
શહેર પોલીસની કાર્યવાહી અંગે વાત કરીએ તો માત્ર ઉત્તરાયણના દિવસે જ પોલીસે અલગ અલગ વિસ્તારોમાં માસ્ક ના પહેરવા બદલ અને જાહેરમા થુંકવા બદલ 1,561 વ્યક્તિઓને 15 લાખ 61 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે જાહેરનામા ભંગ સબંધિત 67 ગુના દાખલ કરીને 71 આરોપીઓની અટકાયત કરી હતી.
આ વર્ષે પોલીસ દ્વારા જાહેરમાં લોકોના જીવને જોખમ ઊભું થાય તે રીતે રોડ રસ્તા પર પતંગ ચગાવતા લોકો સામે પણ કાર્યવાહી કરી છે. એટલું જ નહીં કેટલાક વિસ્તારોમાં પોલીસે ધાબા પોઇન્ટ મૂકીને ભીડ એકઠી ના થાય તે અંગે નજર રાખી હતી.