અમદાવાદ : એક યુવતી સાથે હીરો મિત્રતા રાખતો હોય અને વિલન પણ મિત્રતા રાખતો હોય અને બાદમાં હીરો અને વિલન વચ્ચે બબાલ થતી હોવાની કહાની ફિલ્મોમાં જોવા મળતી હોય છે. બિલકુલ આવો જ એક કિસ્સો અમદાવાદના વાડજમાં સામે આવ્યો છે. જ્યાં એક યુવતી સાથે મિત્રતા રાખનાર યુવકને ચાર લોકોએ છરીઓ ના ઘા મારી મિત્રતા ન રાખવા દબાણ કરી ધમકીઓ આપી હતી. વાડજ પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉસ્માનપુરામાં રહેતા ધર્મિષ્ઠા બહેન મજીઠીયા કેર ટેકર તરીકે કામ કરે છે. તેમને બે પુત્રો છે અને તેમના પતિ હેર સલૂનમાં નોકરી કરે છે. તેમના જેઠના દીકરાને નજીકમાં રહેતી એક યુવતી સાથે મિત્રતા હતી. તે બંને એકબીજાને મળતા હતા અને ફોન પર પણ વાત કરતા હતા. ત્યાં રહેતા પિન્ટુ નામના યુવકને આ મિત્રતાનો સંબંધ પસંદ ન હતો. તેથી મયુરને મિત્રતા ન રાખવા દબાણ કરતો હતો.
ઉત્તરાયણના દિવસે ધર્મિષ્ઠા બહેનનો પુત્ર ઘરે ન આવતા તેઓએ ફોન કર્યો હતો. જેથી તેણે જણાવ્યું કે મયુરને જય નામના યુવકે પકડી રાખ્યો છે અને પીન્ટુ દરબાર હથિયારોથી માર મારતો હતો. જેથી તમામ લોકો તેને છોડાવવા જતા પીન્ટુ, જય, ગોપાલ અને અજયે મયુરને પકડી રાખી ધમકીઓ આપી ઢોર માર માર્યો હતો. બાદમાં છરીના ઘા પણ મારી દીધા હતા. બાદમાં મયુરને સારવાર અર્થે ખસેડયો હતો. પોલીસને જાણ કરાતા વાડજ પોલીસે ઘટના સ્થળે પહોંચી ચારેય લોકો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.