નવી દિલ્હી : નવા કૃષિ કાનૂનોને (New Farm Laws)લઈને કિસાન નેતાઓ સાથે વાતચીતમાં હવે સરકાર સખત થતી જોવી મળી રહી છે. શુક્રવારની વાતચીતમાં સરકાર તરફથી સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો કે જ્યાં સુધી 1.5 વર્ષ વાળા પ્રસ્તાવ પર ખેડૂતો વિચાર નહીં કરે ત્યાં સુધી વાતચીત સંભવ નથી. બેઠક દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂત નેતાઓને કહ્યું કે સરકાર તમારા સહયોગ માટે આભારી છે. કાનૂનમાં કોઈ ખોટ નથી. અમે તમારા સન્માનમાં પ્રસ્તાવ આપ્યો હતો. તમે નિર્ણય ના કરી શક્યા. જો તમે કોઈ નિર્ણય પર પહોંચો તો સૂચિત કરો. જેના પર ફરીથી અમે ચર્ચા કરીશું. આગળની કોઈ તારીખ નક્કી નથી.
10માં રાઉન્ડની બેઠકમાં સરકાર તરફથી ખેડૂત નેતાઓને પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો કે અમે દોઢ વર્ષ સુધી નવા કાનૂનને સ્થગિત રાખીશું. આ મુદ્દા પર ખેડૂત નેતાઓને વિચાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે 11માં રાઉન્ડની બેઠક પહેલા ખેડૂત નેતાઓ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ પ્રસ્તાવ પર કોઈ વિચાર કરવામાં આવશે નહીં, કાનૂન વાપસી જ એકમાત્ર આંદોલન રોકવાનો વિકલ્પ છે.
સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે દોઢ વર્ષ સુધી કાનૂનને રોકવાનો પ્રસ્તાવ તેમની અંતિમ સીમા હતી. કિસાન નેતાઓને આ પ્રસ્તાવ પર ફરીથી વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે. તેનો સ્પષ્ટ અર્થ છે કે સરકાર કાનૂન પર ચર્ચા કરી શકે છે પણ કાનૂન વાપસીનો કોઈ સવાલ જ નથી.
ન્યૂઝ18ના સૂત્રોના મતે શુક્રવારે ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે બેઠક ફક્ત 18 મિનિટ ચાલી હતી. કિસાન નેતા શિવ કુમાર કક્કાએ કહ્યું કે કિસાન નેતાઓએ કહ્યું હતું કે કાનૂન પરત લેવા જોઈએ. સરકારે કહ્યું કે તે સુધારા માટે તૈયાર છે. સરકાર તેમની અને અમે અમારી માંગ પર અડગ રહ્યા. આ પછી મંત્રી બેઠક છોડીને ચાલ્યા ગયા હતા.