નવી દિલ્હી : કૃષિ કાનૂનો (Farm Laws) સામે પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો (Farmer Unions)અને સરકાર વચ્ચે 10માં રાઉન્ડની વાતચીત બુધવારે વિજ્ઞાન ભવનમાં યોજાઈ હતી. બેઠક પછી ખેડૂતોએ જણાવ્યું કે સરકારે કહ્યું છે કે તે દોઢ વર્ષ માટે કાનૂનોને સ્થગિત કરી શકે છે. તેના જવાબમાં ખેડૂતોએ કહ્યું કે કાનૂનોને સ્થગિત કરવાનો કોઈ મતલબ નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તે ઇચ્છે છે કે સરકાર કાનૂનોને પરત લે. ખેડૂતો અને સરકાર વચ્ચે આગામી રાઉન્ડની બેઠક 22 જાન્યુઆરીએ થશે.
ખેડૂતોએ જણાવ્યું કે સરકારે કહ્યું છે કે અમે કોર્ટમાં એફિડેવિટ આપીને કાનૂનોને 1.5-2 વર્ષ સુધી હોલ્ડ પર રાખી શકીએ છીએ. કમિટી બનાવીને ચર્ચા કરીને, કમિટી જે રિપોર્ટ આપશે, અમે તે લાગું કરીશું. કિસાન નેતાઓએ કહ્યું કે અમે 500 કિસાન સંગઠન છીએ, કાલે અમે બધા સાથે ચર્ચા કરીને 22 જાન્યુઆરીએ પોતાનો જવાબ આપીશું. કિસાન સંગઠનના નેતાએ કહ્યું કે સરકારે બંને પક્ષોની સહમતીથી એક નિશ્ચિત સમય માટે ત્રણેય કૃષિ કાનૂનોને નિલંબિત કરવા અને એક સમિતિની રચના માટે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court)સોગંદનામું દાખલ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.
ઓલ ઇન્ડિયા કિસાન સભાના મહાસચિવ હન્નન મુલ્લાએ જણાવ્યું કે સરકારે કહ્યું છે કે એમએસપી પર કમિટીની રચના કરવામાં આવશે અને કાનૂનોને કમિટીના ભલામણોના આધારે લાગુ કરવામાં આવશે. હન્નન મુલ્લાએ કહ્યું કે અમે સરકારને ખેડૂતો સામે એનઆઈએ દ્વારા કરવામાં આવેલા ફર્જી કેસને પાછા લેવાની માંગ કરી છે. જવાબમાં સરકારે કહ્યું કે તે આ મામલાને જોઇ રહ્યા છે.
બેઠક પછી કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે ચર્ચા દરમિયાન અમે કહ્યું કે સરકાર કૃષિ કાનૂનો પર એકથી દોઢ વર્ષ સુધી રોક લગાવવા માટે તૈયાર છીએ. હું ખુશ છું કે ખેડૂતોએ તેને ગંભીરતાથી લીધી છે અને કહ્યું કે તે આ વિશે કાલે ચર્ચા કરશે અને 22 જાન્યુઆરીએ પોતાનો નિર્ણય જણાવશે. મને લાગે છે કે વાતચીત યોગ્ય દિશામાં જઈ રહી છે અને એવી સંભાવના છે કે 22 જાન્યુઆરીએ કોઈ ઉકેલ આવી શકે.