ગાંધીનગર જિલ્લાની દહેગામ પાલિકાની 28 બેઠકોની ચૂંટણીમાં નગરજનોએ 69.1. ટકા મતદાન કર્યું હતું. જ્યારે ગત વખતે 68 ટકા મતદાન નોંધાયું હતું એકંદરે દહેગામ પાલિકામાં સરેરાશ 70 ટકા મતદાન થતું હોય છે. ગત ટર્મમાં ભાજપે 20 બેઠકો સાથે સત્તા મેળવી હતી. આ વખતે પક્ષમાં ટિકિટની વહેંચણી મુદ્દે આંતરિક વિખવાદો તેમજ કેટલાય વોર્ડમાં એકદમ નવા ઉમેદવારો મૂકતા આ વખતની ચૂંટણીમાં ક્રોસ વોટીંગની પ્રબળ શક્યતાઓ સેવાઈ છે. જેનો લાભ કોંગ્રેસને પણ મળનાર છે પરંતુ મહદંશે ભાજપ 15થી 16 બેઠકો પ્રાપ્ત કરશે તેવુ અનુમાન લગાવવામાં આવી રહી છે. જે સત્તા માટે પૂરતી બેઠકો કહી શકાય જ્યારે સામાપક્ષે કોંગ્રેસને 12 જેટલી બેઠકો મળવાની શક્યતાઓ થઈ રહી છે.
હવે મતદારોનો મિજાજ કોના તરફથી રહ્યો તે આજે સ્પષ્ટ થઇ જશે. તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા મેળવી હતી પરંતુ તેમાં કેટલાક સભ્યો ત્રણ સંતાન, પક્ષાંતરધારા જેવી કોર્ટ મેટરનો સામનો કરતા બરાબર શાસન કરી શક્યું ન હતું જોકે આ વખતે ગ્રામીણ મતદારોના વોટ કરવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે પરંતુ કેટલાય ગામોમાં સિંચાઈના પાણી તેમજ આંતરિક વિકાસના પ્રશ્નો ભાજપની સરકાર અને ધારાસભ્ય હોવા છતાં હલ કરી શક્યું નથી તેથી આ વખતે પણ કોંગ્રેસ કદાચ 16થી 17 બેઠકો મેળવી સત્તા જાળવી રાખે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
ગાંધીનગર જિલ્લા પંચાયતની સાથે સાથે દહેગામ તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ આજે આવશે. જેેેને લઇને હાલ રાજકીય ગરમાવો દહેગામમાં ખાસ જોવા મળી રહ્યો છે.
છેલ્લી ચૂંટણીમાં આ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા મેળવી હતી. જિલ્લા પંચાયતની સાત સીટની સાથે સાથે મતદારોએ તાલુકામાં પણ મતદાન કર્યું હતું.પાંચ અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારો સાથે દહેગામ તાલુકા પંચાયતની 28 બેઠકો ઉપર કુલ 61 ઉમેદવારો લડી રહ્યા છે.