રાજ્યમાં રવિવારે છ મહાનગરપાલિકા (Gujarat Local body polls)માં યોજાયેલા મતદાનમાં સરેરાશ 45.64 ટકા મતદાન (Voting) નોંધાયું છે. રાજ્યના ચૂંટણી આયોગ (Election Commission) તરફથી મહાનગરપાલિકા પ્રમાણે સરેરાશ કેટલું મતદાન થયું તેની માહિતી જાહેર કરવામાં આવી હતી. જે પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકાનું ચૂંટણીમાં સૌથી ઓછું 42.51 ટકા મતદાન થયું છે. જામનગર મહાનગરપાલિકામાં સૌથી વધારે 53.64 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે મતદાન પહેલાનો કેબિનેટ મંત્રી (BJP) દિલીપભાઈ ઠાકોરનો (Dilip thakor) વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેમની જીભ લપસી છે. ભાજપની એક સભામાં તેમણે કહ્યું હતું કે, મત આપવા હોય તો બંને કમળના ઉમેદવારોને મત આપો, નહીં તો કોંગ્રેસને મત આપો.
અલ્પેશ ઠાકોર પણ હતા સાથે
મહત્ત્વનું છે કે, પાટણના સમી તાલુકાના ઘઘાણા ખાતે શુક્રવારે ભાજપની ચૂંટણી સભા મળી હતી. જેમા ભાજપના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ સભામાં કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર સભા સંબોધી રહ્યા હતા ત્યારે જ તેમની જીભ લપસી હતી.
સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની તમામ સીટો જીતવા આગળ વધવાનું છે. એક મત ઉપર કમળને આપવાનો બીજો મત તાલુકા પંચાયતમાં પણ કમળને આપવાનો ક્યાંય કોઈ ઉપર નીચે કરવાની દિશામાં આગળ વધતા નહીં, એ કામ કરવાની દિશામાં આગળ વધશો તો માં વરાણા વાળી ખોડીયાર કદાપી માફ નથી કરવાની. એટલા માટે જ્યારે ક્રોસ વોટિંગની વાત આવે ત્યારે એક બાજુ રહીને મત આપવા હોય તો બંનેને મત આપો નહીં તો કોંગ્રેસને મત આપો એવું કહીને લોકોને સમજાવાની દિશામાં આગળ વધીએ.
કોરોના મહામારીનું જોર જ્યારે ફરી વધી રહ્યું છે ત્યારે, આ જાહેર સભામાં અલ્પેશ ઠાકોર, દિલીપ ઠાકોર સહિત સ્ટેજ પરના રાજકીય અગ્રણીઓ માસ્ક વગર જ બેઠા હતા. તેમને જોઇને સાંભળવા આવેલા લોકોએ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પાળ્યા વગર જ સભામાં બેઠા હતા.