તાપી જિલ્લાના સોનગઢમાં ભાજપના માજી ધારાસભ્ય અને આદિજાતી મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઇમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. જેમા કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યાં હતા. તેને લઇને સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો પણ વાયરલ થયા છે. જેને લઇને પૂર્વ મંત્રી કાંતિ ગામીતની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે 308 હેઠળ ગુનો નોંધાયો છે. ગામીત સાથે 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે સગાઇમાં કવરેજ કરવા આવેલા ફોટાગ્રાફરની પણ ધરપકડ કરવામાં આવી છે આ સાથે પોલીસે ડ્રોન કેમેરો પણ જપ્ત કરાયો છે. ત્યારે સીએમ રૂપાણીએ પણ આ અંગે કડક શબ્દો ઉચ્ચાર્યા છે.
કડકમાં કડક પગલા લીધા છે : સીએમ
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કડક શબ્દો ઉચ્ચારતા જણાવ્યું છે કે, જાહેરકાર્યક્રમો એસઓપી મુજબ કરી શકાય પરંતુ એની ગાઇડલાઇન છે કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું આ બધાનું ધ્યાન રાખીને કાર્યક્રમો થવા જોઇએ. એમા કોઇપણ વ્યક્તિ ચૂક ન કરે તે સરકારની અપેક્ષા છે. આ સાથે તાપીની ભીડના મામલે તેમણે કહ્યું કે, આપણે કેસની ગંભીરતા લઇને કડકમાં કડક પગલા લઇને આ કેસને દિશા આપી છે.
કાંતિ ગામીત પુત્ર જિતુ ગામીત સામે પણ ગુનો નોંધાયો છે. આ સિવાય કાંતિ ગામીત સામે કલમ 188, 269 અને 270ની કલમ લગાડવામાં આવી છે. આ ઉપરાંત જીપીએની કલમ 131 લગાડાઈ છે અને એપેડેમિક એક્ટ 3 હેઠળ પણ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 51-બી હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પિતા-પુત્ર ઉપરાંત અન્ય 18 જણા સામે ગુનો નોંધાયો છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલ નીલેશ ગામીત પણ સામેલ છે. આ ગરબામાં સ્થાનિક પોલીસની સાથે વહીવટીતંત્ર પણ ગરબે ઘૂમતુ હતુ એમ કહેવાય છે.
કેસની તપાસ સુરતના ડીએસપી ઉષા રાડા કરશે
હાઇકોર્ટની ટકોર અને સોશિયલ મીડિયામાં ચારેય બાજુએ સરકારની ટીકાને પગલે વધેલા દબાણના પગલે સરકારે કાંતિ ગામિતની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રાજ્યમાં સરકારે લગ્ન પ્રસંગમાં લોકોનો જમાવડો ઓછો કરવા જણાવ્યું છે છતા પૂર્વ મંત્રીની પૌત્રીની લગ્નમાં છ હજાર જેટલા લોકો એકઠા થયા હતા. કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં છ હજારથી પણ વધુ લોકોની જનમેદની ઉમટી હતી અને તેમણે સત્તાવાર કહ્યું હતું કે બે હજારને તો મેં આમંત્રણ આપ્યુ છે. આ સમગ્ર કેસની તપાસ સુરતના ડીએસપી ઉષા રાડા કરશે.