

અમદાવાદઃ અમેરિકન ડોલરની (Dollar) સામે ભારતીય રૂપિયો (Indian rupee) નબળો પડતા રોકાણકારોએ સોનામાં રોકાણ વધારતા સોનામાં તેજી યથાવત રહી હતી. આજે શનિવારે પણ અમદાવાદ માર્કેટમાં સોના-ચાંદીમાં તેજી જોવા મળી હતી. અમદાવાદમાં (Gold Price today) સોનું 55600 રૂપિયાની ઓલટાઈમ હાઈ સપાટીએ (All time high) રહ્યું હતું. જ્યારે ચાંદીમાં (Silver price today) પણ 1000 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો.


સોના-ચાંદીમાં ચાલું રહેલી તેજીના પગલે એક સપ્તાહમાં એક કિલો ચાંદીમાં 4500 રૂપિયા અને 10 ગ્રામ સોનામાં 2500 રૂપિયાનો વધારો નોંધાયો હતો. નિષ્ણાંતોનું માનવું છે કે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને અમેરિકી કરન્સી નબળી પડતાં સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. સોનુ પાછલા બધા રેકોર્ડ તોડીને ઓલ ટાઈમ હાઈ ટ્રેડ કરી રહ્યું છે.


અમદાવાદમાં સોનાચાંદીના ભાવ (Gold-Silver price in Ahmedabad) :- આજે શનિવારે સપ્તાહના અંતે એક કિલો ચાંદીમાં 1000 રૂપિયાનો વધારો નોંધાયો હતો. જેના પગલે ચાંદી ચોરસાનો ભાવ 65500 રૂપિયા અને ચાંદી રુપુંનો ભાવ 65,300 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો સુધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) અને સોનું તેજાબી (99.5)નો ભાવ અનુક્રમે 55,600 રૂપિયા અને 55,400 રૂપિયાની સૌથી ઉંચી સપાટીએ રહ્યા હતા.


આ ઉપરાંત અમદાવાદમાં હોલમાર્ક દાગીનામાં પણ 100 રૂપિયાનો વધારો થતાં 10 ગ્રામ હોલમાર્ક દાગીનાનો ભાવ 54,490 રૂપિયાના સ્તરે રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે બંધ થયેલા ભાવની તુલનાએ આજે શનિવારે સપ્તાહના અંતે એક સ્પાતહમાં એક કિલો ચાંદીમાં 4500 રૂપિયા અને 10 ગ્રામ સોનામાં 2500 રૂપિયાનો વધારો નોંધાયો હતો.


10 ગ્રામ સોનાનો ભાવ 56 હજાર રૂપિયાએ પહોંચી શકે છે : કોમોડિટી એક્સપર્ટ્સનું કહેવું છે કે સોનાની કિંમતોમાં તેજી અથાવત રહેશે. જે રીતે અમેરિકી ડોલરમાં ઘટાડો આવી રહ્યો છે તેનાથી સાફ સંકેત મળી રહ્યા છે કે અત્યારે સોનામાં તેજી નહીં રોકાય. અમેરિકાની આર્થિક સ્થિતિ નબળી થયા બાદ રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ દોટ મૂકી છે. જેના પગલે ટૂંક સમયમાં 10 ગ્રાામ સોનાનો ભાવ 56,000એ પહોંચી શકે છે.


26 વર્ષમાં સૌથી ઓછી રહેશે સોનાની ડિમાન્ડઃ ભારતમાં સોનાની ડિમાન્ડ ઘટીને 26 વર્ષમાં સૌથી ઓછી રહેશે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની (WGC-World Gold Council) નવી રિપોર્ટમાં આ બાબતની શક્યતા વ્યક્ત કરી હતી. આ પાછળનું મુખ્ય કારણ સોનામાં આવેલી તેજી અને કોરોના વાયરસ ગણવામાં આવે છે.


ઉલ્લેખનીય છે કે ભારતમાં એપ્રિલ-જૂન ત્રિમાસીક ગાળામાં સોનાની માંગ 70 ટકા ઘટીને 63.7 ટન રહી છે. ડબ્લ્યૂજીસીના રિપોર્ટ પ્રમાણે કોવિડ-19ના કારણે દેશમાં લાગુ થયેલા લોકડાઉનના પગલે સોનાની માંગ ઘટી છે.