

રાજસ્થાનમાં (Rajasthan) પાલીથી 25 કિલોમીટર દૂર ઉદેપુર હાઇવે ઉપર ત્યાગીજી મહારાજનો (Tyagi Maharaj) આશ્રમ આવેલો છે. ત્યાગીજી મહારાજમાં ત્યાગની ભાવનાને લઈને કોઈનું કઈ રોકડ-પાઈ પૈસો લેતા નથી. સાવસાદગી ભર્યું જીવન વ્યતીત કરતા ત્યાગીજી મહારાજ બુસી ગામ પાસે એક નાનકડી ઘાસની કુટિયામાં રહે છે. તેઓ દિવસમાં માત્ર એકવાર છાશ (Buttermilk) પીએ છે. છેલ્લા 25 વર્ષથી અન્નનો ત્યાગ કર્યો છે. 75 વર્ષની આયુ ધરાવતા આ સંત પૂરો દિવસ કુટીર આગળ એક નાના વૃક્ષ નીચે બેસીને સતત ઈશ્વર નામજપ કરે છે. અહીં આવતા ભક્તો એમને પ્રસાદી રૂપે ચોકલેટ ધરાવે છે જે ચોકલેટ તેઓ ભક્તોને જ પ્રસાદી તરીકે વહેંચી દે છે.


પોતાના હાથમાં માળા અને સતત પ્રભુ નામજપ કરતા આ સંતના દર્શને આ રાજસ્થાનના વિસ્તાર ઉપરાંત ગુજરાત અને અન્ય રાજયોમાંથી પણ ભક્તો મોટી સંખ્યામાં આવે છે. અહીં જેટલા પણ ભક્તો આવે છે એ તમામને ત્યાગીજી મહારાજ પોતાના હાથે જ બનાવેલી મીઠી છાશનો પ્યાલો ભરીને પ્રસાદ તરીકે આપે છે.


ત્યાગીજી મહારાજની સેવામાં રહેલા એમના ભક્ત સજ્જનસિંહ રાજપુરોહિત એમની સાથે રહી એમની સહાયતા કરે છે. એ પોતે પણ છેલ્લા ત્રણ વર્ષથી માત્ર એક વાર છાશ પીને રહે છે. તેઓ પણ અન્ન લેતા નથી. નામ પ્રમાણે ત્યાગની ભાવના અને પાઈપૈસો કોઈપણને અહીં ચડાવવા દેતા નથી. સાદગીભર્યા ત્યાગપુર્ણ જીવન સાથે દિવસો માત્ર જપમાં જ પસાર કરી રહેલા આ સંતની કુટીર પણ લોકોએ જ બનાવી આપી છે.


તેમની કુટીર કે આશ્રમમાં સામાન્ય માણસોની જેમ કોઇ રસોડું કે રાચરચીલું નથી. તેઓ એક નાનકડી કુટીરમાં જ રહે છે. આખો દિવસ કુટીર પાસેના એક વૃક્ષ નીચે બેસીને રામનામનું જાપ કરે છે.