

રાજકોટ ગ્રામ્ય પોલીસે (Rajkot Police) એક બે નહીં પરંતુ ગુજરાત (Gujarat) અને મધ્યપ્રદેશમાં (MadhyaPradesh) આચરવામાં આવેલ 14 ગુનાને ઉકેલી લીધા છે. પોલીસે આંતરરાજ્ય ઘરફોડ ચોરી અને લૂંટના (loot) ગુનાને અંજામ આપનાર ચાર આરોપીઓને 2.82 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.


રાજકોટ ગ્રામ્ય પોલીસે ઝડપેલા ગુનેગારોનાં નામ છે, અનસિંગ કામલીયા, રાજુ વસુનિયા, રાહુલ વસુનિયા તેમજ દીપુ વસુનિયા. આ તમામ આરોપીઓ પર આરોપ છે કે, તેમણે ગુજરાત અને મધ્ય પ્રદેશ રાજ્યની અંદર ઘરફોડ ચોરી તેમજ લૂંટના ગુનાને અંજામ આપ્યો છે. ત્યારે પોલીસ પૂછપરછમાં પણ આરોપીઓએ પોતે 14 જેટલા ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે.


ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, આ આરોપીઓ ચોરીના સમયે સામનો કરવા માટે પથ્થર, મરચું પાવડર તેમજ એરગન સહિતના વિવિધ સાધનો સાથે રાખતા હતા. તેમજ આ આરોપીઓ મકાનની વંડી ટપીને તથા તાળાના નકૂચા તોડી મકાનમાં ચોરી કરવી, મંદિરમાં ચોરી કરવી તેમજ વાહનોની ચોરી કરવાની કુટેવ વાળા તેમજ જાહેરમાં લૂંટ કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે.


રિમાન્ડ અર્થે કોર્ટમાં કરાશે રજૂ કરાશે - હાલ તો રાજકોટ ગ્રામ્ય પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 2.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો સાથોસાથ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે, આ ટોળકીમાં વધુ સભ્ય સામેલ હોઈ શકે છે. તેમ જ આ ટોળકીએ ગુજરાત અને મધ્યપ્રદેશમાં વધુ ગુનાઓ પણ આચર્યા હોઈ શકે છે. ચારેય આરોપીઓ પૈકી આરોપી અનસિંગ વિરુદ્ધ ભૂતકાળમાં મધ્યપ્રદેશ ખાતે આર્મ્સ એકટ સહિતના ગુના નોંધાઈ ચુક્યા છે.