

અંકિત પોપટ, રાજકોટ : દિવાળીનો તહેવાર પૂર્ણ થતાની સાથે જ રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખુદ રાજ્ય સરકાર પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભીડભાડવાળી જગ્યાએ સુપર સ્પ્રેડર શોધવા માટે ટેસ્ટિંગ ઝુંબેશ પણ વધારવામાં આવી છે. રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 10,329 પર પહોંચ્યો છે.


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી રેલવે સ્ટેશન બસ સ્ટેશન તેમજ એરપોર્ટ ખાતે સ્ક્રિનિંગ તેમજ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો સાથે જ લક્ષ્મી નગર પાસે આજરોજ ફેરિયાઓના ટેસ્ટિંગ કરવામાં પણ આવ્યા હતા. તો સાથે જ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે બજાર ખાતે પણ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.


ત્યારે ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ તેમજ મેયર બીનાબેન આચાર્યે જણાવ્યું હતું કે, શહેરમાં જે વિસ્તારોમાં ફેરીયાઓ વધુ પ્રમાણમાં રહે છે. તેવા વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરી કોરોના સંક્રમણને અટકાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની મેડિકલ ટીમ દ્વારા આવા કેમ્પમાં વ્યક્તિનું સ્વાસ્થ્ય કેવું છે તેની પ્રાથમિક તપાસ થર્મલ સ્ક્રિનિંગ અને પલ્સ ઓક્સિમીટર વડે ચકાસણી કરવામાં આવે છે. જો કોઇ વ્યક્તિને કોરોના સંદર્ભે કોઈપણ લક્ષણો જણાય તો તેમનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરવામાં આવે છે.


અન્ય રાજ્ય કે અન્ય જિલ્લામાંથી રાજકોટ આવતા લોકો માટે મનપાની ટીમ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોટ ખાતે જ હેલ્થ ચેકઅપ કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને પ્રાથમિક તબક્કાથી જ હરાવવા માટે દરેક લોકોએ પોતાનું ટેસ્ટીંગ કરાવવું જરૂરી છે.


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટીંગ બુથ, ધનવંતરી રથ, સંજીવની રથ, ૧૦૪ સેવા રથ, કોવીડ-૧૯ ટેસ્ટીંગ વ્હીકલ તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વિનામુલ્યે કોરોના ચેકઅપ કરી આપવામાં આવે છે. વહેલું નિદાન કરી કોરોના સંક્રમણની ચેઈનને તોડવા સૌ સહયોગ આપે તેમજ પોતાનું તેમજ પોતાના પરિવારજનોની કાળજી રાખીએ.


હાલ કોરોના સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું, વારંવાર હાથ સાફ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખુબ જ જરૂરી છે. શક્ય તેટલું એકબીજાના સંપર્કમાં આવવાનું ટાળવું એ પણ ખુબ જરૂરી છે. તંત્રની કામગીરી સાથે લોકોનો પણ સહયોગ જરૂરી છે. કોરોનાના સામાન્ય લક્ષણો જેવાકે શરદી, ઉધરસ, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ પડે તો તરત જ રાજકોટ મહાનગરપાલિકાની સેવાનો લાભ લેવા તમામ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે.


તો બીજી તરફ, કોરોનાના કેસમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં બપોરના બાર વાગ્યા સુધીમાં કોરોનાના વધુ 35 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંકડો 10,329 પર પહોંચ્યો છે. તો બીજી તરફ કોરોના સંક્રમણ વધતા મહાનગરપાલિકાનું તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. આજરોજ બપોરના 12 વાગ્યા સુધીમાં મનપાના અધિકારીઓ દ્વારા 41 લોકોને ભીડભાડવાળી જગ્યામાં માસ્ક વિનાના ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી 41,000રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે.