

હરિન માત્રાવાડિયા, અંકિત પોપટ, રાજકોટ : રાજકોટ શહેરના કુવાડવા રોડ પર સ્ટાર ગેલેક્સી એજ્યુકેશન નામથી ટ્યૂશન ચલાવતા સંચાલક અને કોચિંગ ક્લાસિસ એસોસિએશનના સભ્ય જય કારીયાએ પોતાના ક્લાસિસ ચાલુ નહીં થતા પાણીપુરીની લારી શરૂ કરી છે.


જય કારિયાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચ વર્ષથી કોચિંગ ક્લાસિસ ચલાવે છે અને વર્ષ 2019માં કુવાડવા રોડ સ્થિત નવા ક્લાસ શરૂ કર્યા હતા. પરંતુ 3 મહિના કલાસ કાર્યરત રહ્યા બાદ લૉકડાઉન જાહેર થતા આજે 10 માસથી ક્લાસિસ બંધ છે પરંતુ ભાડું ભરવું પડે છે અને લોનની EMI ચાલુ છે. આથી ઇન્કમ ઉભી કરવા પાણીપુરીની લારી શરૂ કરવામાં આવી છે.


ટ્યૂશન સંચાલકે પોતાના ક્લાસિસની બરોબર સામે જ કોઈ શરમ રાખ્યા વગર પાણીપુરીની લારી શરૂ કરી દીધી છે. એટલું જ નહીં શરૂઆતમાં બજાર જેવી પાણીપુરી લોકોને આપવા માટે શું કરવું તે વિચારને લઈ યુટ્યુબનો સહારો લીધો હતો. તેમાં જોયા પછી પાણીપુરી બનાવવાનું શીખ્યું હતું. પાંચ પ્રકારના પાણી બનાવવા માટે અલગ અલગ ફ્લેવરના પાવડર ખરીદી કંઇ નવું આપવાનું શરૂ કર્યુ છે અને આગળ પણ લોકોને નવી વાનગી આપવા કોશિશ કરાશે.


રાજકોટ ટ્યૂશન ક્લાસિસ કોચિંગ એસોસિએશનના પ્રમુખ પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટમાં 400 જેટલા ટ્યૂશન કલાસિસ સંચાલકો છે, જે પૈકી 250 લોકો એસોસિએશન સાથે સંકળાયેલા છે. પરંતું આ લૉકડાઉન બાદ ટ્યૂશન ક્લાસિસ બંધ થવાના કારણે વિદ્યાર્થીઓને ભણાવવાનું છોડી અલગ અલગ બિઝનેસ તરફ વળી ગયા છે. જે દુઃખની વાત છે. સરકાર ટ્યૂશન કલાસ શરૂ કરવા મંજૂરી આપે તેવી બે હાથ જોડી વિનંતી છે. આજે શિક્ષક પોતાના ઘરનું ગુજરાન ચલાવવા અન્ય ધંધા તરફ વળી રહ્યા છે.


કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ધ્યાનમાં રાખી સરકાર દ્વારા લૉકડાઉન લાદવામાં આવ્યું હતું. જે બાદ અનલોક પણ કરવામાં આવ્યું. જેમાં મોટાભાગના ધંધા રોજગાર શરૂ કરવા છૂટ આપવામાં આવી છે. પરંતુ આજે છેલ્લા 10 મહિનાથી ટ્યૂશન કલાસ અને શાળા કોલેજો હજુ પણ લોક જોવા મળી રહી છે. રાજકોટના એક ટ્યૂશન સંચાલકની વાત કરીએ તો ક્લાસિસમાં આવક ન થતા દોઢ લાખની લોનના હપ્તા માટે તેને પાણીપુરીની લારી શરૂ કરી છે.