

ભરતસિંહ વાઢેર, વલસાડ : વલસાડ જિલ્લાના ભાગડાવડામાં એકાંત વિસ્તારમાં મહિલાઓની છેડતી કરી અને બીભત્સ માંગ કરતા એક વિકૃત આધેડને મહિલાઓએ ઝડપી અને તેને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે ભાગડાવડા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી એક વિકૃત આધેડ એકાંત વિસ્તારમાંથી પસાર થતી મહિલાઓને જોઈને તેમની સામે વિકૃત હરકત કરતો હતો અને બીભત્સ માંગણી કરતો હતો.


છેલ્લા કેટલાક દિવસથી આ વિકૃત આધેડનો ત્રાસ વધી જતાં ગામની મહિલાઓ એકાંત વિસ્તારમાંથી પસાર થતી વખતે ડરતી હતી. જોકે આ આધેડ મહિલાઓના હાથે ચડી જતાં ગામની તમામ મહિલાઓએ એક સાથે મળીને જાહેરમાં જ ઢોર માર માર્યો હતો.


વલસાડના ભાગડાવડા ગામે એકાંત વાળી જગ્યામાં છેલ્લા કેટલાક દિવસથી એક આધેડ વયનો ઈસમ મહિલાઓને હેરાન-પરેશાન કરતો હતો. જેના ડરથી મહિલાઓ આ રસ્તે પસાર થતા પણ ગભરાતી હતી. મોગરાવાડીમાં રહેતા વિકૃત માનસ ધરાવતા આ આધેડને યુવકોએ ઝડપી અને ભાગડાવડા ગામના નવી નગરી વિસ્તારની મહિલાઓને સોંપ્યો હતો. મહિલાઓએ તેને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો.


આધેડ મહિલાઓની છેડતી કરતો હતો. તે મહિલાઓને જોઇ કપડા કાઢી તેમની પાછળ દોડતો હતો. આ વાત મહિલાઓએ સ્થાનિક યુવકોને કરતા યુવકોએ વલસાડના મોગરાવાડીના આ શખ્શને પકડી પાડ્યો હતો. વિકૃત આધેડ ઝડપાઈ ગયો હોવાની જાણ થતાં ગામની મહિલાઓ મોટી સંખ્યામાં એકઠી થઈ ગઈ હતી.