

કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં પાણી વેડફાટના દ્રશ્યો સામે આવ્યા છે. ઉધના મગદલ્લા રોડ પર આવેલા સોસ્યો સર્કલ નજીક પાણીની લાઇનમાંથી રસ્તા પર લાખો લીટર પાણી વહ્યું હતું. પાણી ભરાઇ જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી.


સુરતમાં કડકડતી ઠંડીમાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. સુરતના ઉધના મગદલ્લા રોડ પર આવેલા સોસ્યો સર્કલ નજીક રસ્તા પર પાણી ભરાઇ જતા લોકો તકલીફમાં મુકાઈ ગયા હતા. ખટોદરાથી અલથાણ સુધી બાર્બી લિમિટેડ ગેસની પાઈપલાઈન નાંખવામાં આવી રહી છે. જેથી પાઇપમાં રહેલી ગંદકીને દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. જેને લઇને પાણીની લાઇનમાંથી રસ્તા પર લાખો લીટર પાણી વહ્યું હતું. રસ્તા પર પાણી પ્રેશર સાથે બહાર આવતા સર્કલ પર પાણી ભરાઇ ગયા હતા જેને લઈને કામકાજે જતા લોકોને ટ્રાફિકજામની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.


બીજી તરફ રસ્તા પર પાણીનો જે પ્રકારે વેડફાટ થયો હતો તેને લઈને લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો અને કામકાજના સમયે રસ્તા પર પાણીની પાઈપલાઈન સાફ કરતા પાણી ભરાઈ રહેવાથી લોકોને હેરાનગતિ પડી હતી. જોકે જ્યાં સુધી ગંદુ પાણી બંધ ન થયું ત્યાં સુધી સતત પાણીની તપાસ કરવામાં આવી હતી અને પાણીની પાઈપ સાફ થવા અંગે પાલિકાના અધિકારીઓ સતત મોનિટર કરતાં રહ્યાં હતાં.