

કિર્તેશ પટેલ, સુરત : શહેરમાં ગેરકાયદે નળ જોડાણને કાયદેસર કરવા માટે નલ સે જલ યોજનાના અંતિમ દિવસે લોકોના ટોળેટોળા ઝોનના પાણી ખાતામાં ઉમટી પડ્યા હતા. લોકો માટે કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતા દ્રશ્યો સામે આવ્યા હતા.


સરકાર દ્વારા ગેરકાયદે નળ જોડાણને કાયદેસર કરવા માટે નલ સે જલ તક યોજના જાહેર કરી છે. માત્ર 500 રૂપિયાની રકમ ભરીને આ નળ જોડાણ કાયદેસર થઈ શકશે. આ યોજનાની અંતિમ તારીખ 31મી ડીસેમ્બર સુધી જ છે. ત્યારે સામાન્ય દિવસોમાં તો આ યોજનાને મોળો પ્રતિસાદ મળ્યો હતો પરંતુ યોજનાના અંતિમ દિવસે લોકોની ભીડ ઉમટી પડી હતી. સુરત મ્યુનિ. વિસ્તારમાં છ લાખ જટલા નળ જોડાણ ગેરકાયદેસર છે. જેને કાયદેસર કરવા માટે મ્યુનિ. તંત્ર દ્વારા અનેક વાર પ્રયાસ કરીને જુદી જુદી યોજના કરી આખરી તારીખ જાહેરાત કરી હતી. પરંતુ સુરતમાં ડ્રેનેજ અને નળ જોડાણને કાયદેસર કરવાની યોજનાને સફળતાં મળી ન હતી. નળ જોડાણ કાયદેસર કરાવવા માટે આજે 31 ડિસેમ્બર 2020 અરજી માટે અંતિમ તારીખ હોવાથી લોકો ઉમટ્યાં હતાં.


ઝોનના પાણી ખાતામાં મોટી સંખ્યામાં આવેલા લોકો માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડતા જોવા મળ્યા હતા. અધિકારીઓ પણ ફોર્મ આપવામાં અને રૂપિયામાં લેવામાં વ્યસ્ત હોવાથી કોરોનાના તમામ નિયમો તૂટતા નજરે પડ્યા હતા. યોજનાના છેલ્લા દિવસે લોકોની લાંબી કતારો લાગી હોવા છતાં કોઈએ લોકોને નિયમોનું પાલન કરવા પણ ન કહેતા હોવાની બેદરકારી સામે આવી છે.


ઉલ્લેખનીય છે કે સુરત મ્યુનિ. વિસ્તારમાં છ લાખ જેટલા નળ જોડાણ ગેરકાયદેસર છે તેમાંથી કેટલાક નળ જોડાણ મ્યુનિ.ના રેકર્ડના કારણે ગેરકાયદે છે જોકે તેની સંખ્યા ઓછી છે. તેમ છતાં પણ સુરતમાં નળ જોડાણ કાયદેસર કરવા માટે 14 હજાર જેટલી જ અરજી આવી છે. ભાજપ શાસકો દ્વારા સોસાયટીના દરવાજા પર નલ સે જલના બેનર લગાવીને લોકોને નળ જોડાણ કાયદેસર કરાવવા માટે અપીલ કરી હતી. જોકે છેલ્લા દિવસે વધુ અરજી અને લોકો આવ્યા હોવાનું સામે આવ્યું છે.