

અંતિત પોપટ, રાજકોટ : ન્યૂ યરને આડે હવે 35 દિવસ જેટલો સમય બાકી બચ્યો છે. દર વર્ષે ન્યુ યર અંતર્ગત 31 ડિસેમ્બર પહેલા ગુજરાત પોલીસ કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડતી હોય છે. બીજી તરફ 31 ડિસેમ્બર નજીક આવતા બૂટલેગરો પણ વર્ષના અંતમાં ધીકતી કમાણી કરવા આતુર બનતા હોય છે. તો બીજી તરફ પોલીસ પણ બૂટલેગરોના મનસૂબા પર પાણી ફેરવવા સક્રિય રહેતી હોય છે. ત્યારે ન્યૂ યર પાર્ટી યોજાઈ તે પૂર્વે જ રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.


સમગ્ર મામલે ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર રોહિત રાવલે જણાવ્યું હતું કે, અમારી ટીમના પીએસઆઇ અતુલ સોનારાને બાતમી મળી હતી કે, નામાંકિત safe એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનમાં વિદેશી દારૂના પાર્સલની હેરાફેરી થઈ રહી છે. ત્યારે ચોક્કસ બાતમી મળ્યા બાદ અમારી ટીમ કુવાડવા રોડ પર આવેલા આઇ.ઓ.સી.ના પ્લાન્ટની સામે વોચમાં હતી. તે સમયે safe એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ કંપનીના અશોક લેલન ટ્રકમાંથી બ્લેન્ડર પ્રાઇમ વિસ્કી બોટલ નંગ 24, મેકડોવેલ વીસકી બોટલ નંગ 72, રોયલ ચેલેન્જ વીસકી બોટલ નંગ 144 મળી આવી હતી.


પોલીસે 15 લાખના ટ્રક સહિત કુલ 16,31,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો સાથે જ ચાર જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી છે. પોલીસે પ્રવીણ ભાવસાર, શૈલેન્દ્ર સિંહ રાણા, અજીત યાદવ તેમજ રામારામ જાટની ધરપકડ કરી છે. ત્યારે ગુરૂવારના રોજ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમજ તેમના રિમાન્ડની માગણી પણ કરવામાં આવશે.


રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે. જેમાં તમામ આરોપીઓ કેટલા સમયથી ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. કેટલા સમયથી તેઓ રાજકોટ આ પ્રકારે વિદેશી દારૂનો જથ્થો મંગાવતા હતા. રાજકોટમાં તેઓ કોને કોને દારૂના જથ્થાનું વેચાણ કરતા હતા. કુરિયર કંપનીના અન્ય કોઇ કર્મચારી તેમની સાથે સંકળાયેલા છે કે કેમ તે સહિતના પ્રશ્નોના જવાબ મેળવવામાં આવશે.