

સંજય ટાંક, અમદાવાદ : શહેરની વાસણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બે કુખ્યાત આરોપીને ઝડપી લઈ આંતરરાજ્ય ચોરી ટોળકીના વિવિધ ગુનાઓનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં આ આરોપીઓએ આચરેલા ગુના અને તેમની ચોરીની મોડસ ઓપરેન્ડી જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. હાલ પોલીસએ આ બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં ચોરી થયેલ કાર અને બાઈકના ગુનાઓનો ભેદ આ બંને કુખ્યાત ચોર પકડાતા ઉકેલાયો છે. ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ આ મુદ્દે જણાવ્યું હતું કે વાસણા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બે શખ્સો ઉપર શંકા જતા તેમની પૂછપરછ કરી હતી. તેમની તલાશી લેતા 6 માસ્ટર કી, કાર અને બાઈકની ચાવીઓ, મોબાઈલ અને પિસ્તોલ જેવુ લાઈટર મળી આવ્યું હતું. કડકાઇથી પૂછપરછ કરતા તેઓએ બાઇક ચોરી અને ઇકો કાર ચોરીના ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી.


આ કુખ્યાત આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી છે કે તેઓ રાજસ્થાનથી લકઝરી બસમાં અમદાવાદ સુભાષબ્રિજ ઉતરતા. માસ્ટર કી થી કોઈપણ બાઇકની ચોરી કરી સિટીમાં ફરતા અને જ્યાં ઇકો કાર દેખાય તે ઇકો કાર ટાર્ગેટ કરતા. માસ્ટર કીની મદદથી ઇકોનું લોક ખોલી ચોરી કરતા હતા. આ બંને આરોપીઓએ અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આચરેલી 10 ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.


બંને આરોપીઓમાં મોહનલાલ ઉર્ફે મુન્નો ઉર્ફે શોભરામ ચારણ મૂળ બાડમેર રાજસ્થાનનો છે. તે અગાઉ 2016માં આનંદનગરમાં વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો. જયારે જશારામ ઉર્ફે જશું બાડમેર રાજસ્થાનનો છે. બંને વિરુદ્ધ રાજસ્થાનમાં જેસલમેર અને બાડમેર પોલીસ સ્ટેશનમાં ઘણા ગુનાઓ નોંધાયેલા છે. તો ગુજરાતમાં અમદાવાદ અને બનાસકાંઠામાં ઘણા ગુના આચર્યા છે. મધ્યપ્રદેશમાં પણ ઘણા ગુના આરોપીઓ વિરુદ્ધ દાખલ થયેલા છે.