

વડતાલ સ્વામીનારાયણ મંદિર (Vadtal Swaminarayan Temple) ફરી એક વખત વિવાદનું કેન્દ્ર બન્યું છે. સમાચાર છે કે મંદિરના એક સ્વામી એક 26 વર્ષીય પરિણીત મહિલા સાથે ફરાર થઈ ગયા છે. આવો આક્ષેપ ખુદ મહિલાના પતિએ લગાવ્યો છે. મહિલાના પતિનો આક્ષેપ છે કે સ્વામી મારી પત્ની સાથે ભાગી ગયા છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપવામાં આવી છે. મહિલાના પતિનો આક્ષેપ છે કે આ કેસમાં પોલીસ કોઈ પગલાં નથી ભરી રહી. સાથે જ તેણે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે સ્વામી પોતાની હવસ સંતોષાયા બાદ તેની પત્નીની હત્યા કરીને લાશ સગેવગે કરી દેશે.


વડતાલ સ્વામીનારાયણ મંદીર અને વિવાદ સિક્કાની બે બાજુ છે. હવે મંદિર સાથે જોડાયેલો વધુ એક વિવાદ સામે આવ્યો છે. મંદિરના આસપાસના વિસ્તારમાંથી એક 26 વર્ષની પરિણીતા ગુમ થઈ છે. મહિલા ગુમ થઈ હતી તે દિવસથી જ મંદિરના મુખ્ય કોઠારી આધારસ્વરૂપ સ્વામી પણ ગુમ થઈ ગયા છે. આ સંયોગ બાદ મહિલાના પતિએ આક્ષેપ લગાવ્યો છે કે આધારસ્વરૂપ સ્વામી જ તેની પત્નીને લઈને ભાગી ગયા છે. મંદિરના તંત્રએ જ્યારે સ્વામીના રૂમની તલાશી લીધી તો ત્યાંથી સ્વામીનો સામાન પણ ગાયબ હતો.


તપાસ કરતા સ્વામીનો મોબાઇલ નંબર પણ બંધ આવી રહ્યો છે. જ્યારે મહિલાનો મોબાઇલ નંબર પણ બંધ છે. આ જાણકારી મળ્યા બાદ મહિલાના પતિએ પોલીસનો સંપર્ક કર્યો છે. પોલીસે આ મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.


મહિલાના પતિની ફરિયાદ પ્રમાણે તેની પત્ની આઠમી ફેબ્રુઆરીના રોજથી મળી આવી નથી. આ મામલે ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે 10મી ફેબ્રુઆરીના રોજ પત્ની ગુમ થઈ હોય તેવી જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી છે. પતિએ કરેલી પોલીસ અરજીમાં લખવામાં આવ્યું છે કે આધારસ્વરૂપ સ્વામી તેની પત્નીને મોહજાળમાં ફસાવીને ફરાર થઈ ગયા છે. ઉપરાંત તેઓ પોતાની હવસ સંતોષાયા બાદ પત્નીની હત્યા કરી નાખશે.