

નવી દિલ્હી: જો તમે ખૂબ ક્રિએટિવ છો. કંઈક નવું કરવા માંગો છો. રમકડાં અને વિવિધ રમતોમાં રુચી છે, તો તમારી પાસે 50 લાખ રૂપિયા સુધીનું ઈનામ જીતવાનો મોકો છે. આવો મોકો બીજું કોઈ નહીં પરંતુ ભારત સરકાર (Govt of India) આપી રહી છે.


કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે પાંચમી જાન્યુઆરી, 2021ના રોજ ભારતની પોતાની ગેમ ચેલેન્જ 'ટૉયકેથૉન' (Toycathon) લૉંચ કરી છે. શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન સેલ તરફથી ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફૉર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE), મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, MSME મંત્રાલય, કાપડ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના સહયોગની આ ચેલેન્જ લૉંચ કરી છે.


શું છે ટૉયકેથૉન? ટૉયકેથૉન એક રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા છે. આ સ્પર્ધાનો ઉદેશ્ય છે કે એવા રમકડાં અને ગેમ્સ બનાવવા જે ભારતીય સભ્યતા, સંસ્કૃતિ, ઇતિહાસ, મૂલ્યો અને પૌરાણિક કથાઓ આધારિત હોય. 'આત્મનિર્ભર ભારત અભિયાન' અંતર્ગત દેશ રમકડાં અને ગેમ્સના ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બને તેવા ઉદેશ્ય સાથે આની શરૂઆત કરવામાં આવી છે.


કોણ ભાગ લઈ શકે? આ સ્પર્ધામાં સ્કૂલ/કૉલેજ વિદ્યાર્થી, શિક્ષકો અને પ્રોફેસનલ્સ ભાગ લઈ શકે છે. આ સ્પર્ધાને ત્રણ શ્રેણીમાં આયોજિત કરવામાં આવી છે. જેમાં જૂનિયર સ્ટુડન્ટ, હાયર સ્ટુડન્ટ અને પ્રોફેસનલ્સ શામેલ છે. તમે કેટેગરી પ્રમાણે અરજી કરી શકો છો.


કેવી રીતે ભાગ લઈ શકાય? Toycathon 2021માં ભાગ લેવા માટે toycathon.mic.gov.in વેબસાઇટ મારફતે ઑનલાઇન અરજી કરવાની રહેશે. પાંચમી તારીખથી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની અંતિમ તારીખ 20 જાન્યુઆરી, 2021 છે.


આ તારીખો નોંધી રાખો: આ સ્પર્ધા બે તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કાનું પરિણામ 10મી ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. જે બાદમાં બીજા તબક્કાનું પરિણામ 22 ફેબ્રુઆરી, 2021ના રોજ જાહેર કરવામાં આવશે. જોકે, આ બંને તારીખ સંભવિત છે. તેમાં ફેરફારને અવકાશ છે.