

સુરત: શહેરના લિંબાયત વિસ્તાર (Surat Limbayat Area)માંથી એક દિવસ પહેલા ગુમ થયેલી 19 વર્ષીય યુવતી મળી આવી છે. સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાંથી આ યુવતી મળી આવી છે. યુવતી બેભાન હાલતમાં મળી આવી હોવાથી અનેક સવાલ અને શંકા ઊઠી રહી છે. લિંબાયતમાંથી ગાયબ થયા બાદ યુવતી અહીં કેવી રીતે પહોંચી ગઈ હતી તે પણ મોટી સવાલ છે.


મળતી માહિતા પ્રમાણે સુરત શહેરના પાર્લે પોઈન્ટમાં આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટના પાર્કિગમાં એક યુવતી બેભાન અવસ્થામાં પડી હતી. આ યુવતી ગઈકાલે કૉલેજ ખાતે પરીક્ષા ફોર્મ ભરવા ગયા બાદ ગુમ થઈ ગઈ હતી. કૉલેજ ગયા બાદ યુવતીએ ફોન ઉપાડવાનું બધ કરી દેતા પરિવાર ચિંતામાં મૂકાયો હતો. જે બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પણ યુવતીને શોધવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા.


ગુમ થયેલી યુવતીની ઉંમર 19 વર્ષ હતી. યુવતીનું નામ નેહા યાદવ હોવાનું સામે આવ્યું છે. અગ્રવાલ કૉલેજ ખાતે ફોર્મ ભરવા ગયા બાદ યુવતી ગાયબ થઈ ગઈ હતી. આજે યુવતી બેભાન હાલતમાં મળી આવતા અનેક શંકા ઊઠી રહી છે.


યુવતી બેભાન હોવાની સાથે સાથે ઘાયલ અવસ્થામાં પડી હોવાથી અનેક શંકા ઊઠી છે. યુવતીને હાલ સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. એવો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે કે બિલ્ડિંગ પરથી નીચે પટકાયા બાદ યુવતી ઘાયલ થઈ હોઈ શકે છે.


બિલ્ડિંગના વૉચમેનને આ અંગે માહિતી મળતા તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવતીને સારવાર માટે ખસેડી હતી. યુવતી પોતાની રીતે અહીં આવી હતી અને બિલ્ડિંગ પરથી પડતું મૂક્યું હતું કે પછી હત્યાના ઈરાદે યુવતીને નીચે ફેંકી દેવામાં આવી છે, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.