

કિર્તેશ પટેલ, સુરત : અમદાવાદમાં વહેલી સવારે કોવિડ હૉસ્પિટલ (Ahmedabad Shrey Hospital ICU Fire) ખાતે બનેલી આગની ગોઝારી ઘટના બાદ રાજ્યભરમાં ફરી ફાયર સેફ્ટિ (Fire Safety) ચકાસણીની પ્રક્રિયા શરૂ થઈ છે. સુરત ફાયર વિભાગે ભૂતકાળમાં બનેલી ઘટનાને ધ્યાનમાં રાખીને કોવિડ હોસ્પિટલ (Surat Covid 19 Hospital) ખાતે છેલ્લા એક મહિનાથી ફાયરની ટીમને સ્ટેન બાય રાખી છે. સાથે અહીં રહેલી ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી સાથે આગ લાગે ત્યારે બચાવ કામગીરીનું રિહર્સલ પણ કર્યું છે. આ શહેરની 45 ખાનગી હૉસ્પિટલમાં ચેકિંગ પણ હાથ ઘરવામાં આવ્યું છે.


કોરોના મહામારી વચ્ચે આજનો દિવસ ગોઝારો રહ્યો છે. અમદાવાદ ખાતે કોવિડ 19 હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા 8 દર્દીનાં આગને પગલે મોત થયા છે. આ ઘટના પડઘા સમગ્ર ગુજરાતમાં પડતા તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકા દ્વારા કોવિડ હૉસ્પિટલમાં તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. સુરતમાં ભૂતકાળમાં બનેલા તક્ષશિલા અગ્નિકાંડ બાદ સુરત ફાયર વિભાગ પહેલાથી એલર્ટ છે.


આજે અમદાવાદની ઘટના બાદ તપાસ કરતા માલુમ પડ્યું છે કે સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી ફાયરના જવાનો સાથે એક ટીમ તૈનાત કરવામાં આવી છે. અહીંયા કંટ્રોલરુમ પણ શરૂ કરવામાં આવ્યો છે. આ સરકારી હોસ્પિટલ 1,000 કરતા વધુ દર્દી સારવાર લઈ રહ્યા છે. જેના પગલે અહીં મૂકવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનોને પણ સમયાંતરે તપાસવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં બિલ્ડિગમાં આગ લાગે ત્યારે બચાવ કામગીરી કેવી રીતે કરવી તેનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે કહી શકાય કે અન્ય શહેરની સરખામણીએ સુરતનું ફાયર વિભાગ વધારે સજ્જ છે.