તાપી ભાજપના નેતાનું કોરોનામાં 'શક્તિ પ્રદર્શન': લગ્ન પ્રસંગમાં 100 લોકોને મંજૂરી છે ત્યારે પૌત્રીની સગાઈમાં છ હજાર લોકો એકઠા કર્યાં
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયા છે તે તાપી જિલ્લાના સોનગઢમાંથી ભાજપના નેતા અને પૂર્વ આદિજાતી મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઇના છે. સોનગઢનાં ડોસવાડા ગામમાં સગાઈ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.


કિર્તેશ પટેલ, સુરત: લગ્ન પ્રસંગ (Marriage Function)માં ફક્ત 100 લોકો જ હાજર રહી શકે તેવો નિયમ શું ફક્ત સામાન્ય લોકો માટે જ છે? શું નેતાઓને કોઈ નિયમો નથી લાગતા? નેતાઓ અને મોટી હસ્તીઓ જ્યારે કોરોના માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા (Corona Guidelines)નો ભંગ કરે છે ત્યારે પોલીસ કેમ આંખ આડા કાન કરી લે છે? વારેવારે મીડિયામાં નિવેદનો આપતા નેતાઓની પણ કેમ બોલતી બંધ થઈ જાય છે? તમે જે તસવીર જોઈ રહ્યા છો તે ભાજપ નેતા કાંતિ ગામિત (Kanti Gamit)ના પૌત્રીના સગાઇ પ્રસંગની છે. આ મામલે એક સામાજિક કાર્યકરે મીડિયાનું ધ્યાન દોર્યું હતું. જે બાદમાં મીડિયાએ કાન આમળતા સરકારે તપાસના આદેશ આપ્યા છે. જોકે, સરકાર હંમેશા ફક્ત તપાસના આદેશ જ આપે છે, ક્યારેય પગલાં લેવાયા હોવાનું ધ્યાનમાં નથી આવતું. આ મામલે પ્રતિક્રિયા આપતા કાંતિ ગામિતે કહ્યું કે, અમે કોઈને આમંત્રણ આપ્યું ન હતું. લોકો જાતે જ આવ્યા હતા!


કાંતિ ગામિતનું શક્તિ પ્રદર્શન: સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયા છે તે તાપી જિલ્લાના સોનગઢમાંથી ભાજપના નેતા અને પૂર્વ આદિજાતી મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઇના છે. સોનગઢનાં ડોસવાડા ગામમાં સગાઈ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. દાવો કરવામાં આવ્યો છે કે અહીં એક સાથે છ હજાર જેટલા લોકો એકઠા થયા હતા. એટલે કે આખું ગામ એકઠું થયું હતું. આ રીતે કોરોના કાળમાં ભાજપના નેતાએ જાણે કે છ હજાર લોકોને એકઠા કરીને પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું.


લોકો ગરબે ઘૂમ્યા: વીડિયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો ગરબા રમી રહ્યા છે. છ હજાર લોકો એકઠા થાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ તો કેવી રીતે જળવાય તે સ્વાભાવિક છે. આ ઉપરાંત તમામ લોકોએ માસ્ક પહેરી રાખ્યું હશે તેવી આશા રાખવી થોડી વધારે પડતી છે. ગુજરાતમાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકારે લગ્ન પ્રસંગમાં 200 લોકોની મંજૂરી હતી તેને પરત લઈને ફક્ત 100 લોકોને મંજૂરી આપી છે. બીજી તરફ ભાજપના જ એક નેતા આ નિયમનીઐસીતૈસી કરી રહ્યા છે.


પોલીસ ક્યાં છે?: વીડિયો જોઈને જ મોઢામાંથી અરર...શબ્દ નીકળી એટલા લોકો ભેગા થયા છે ત્યારે જો આમાંથી એક-બે લોકો કોરોના પોઝિટિવ હોય તો હાલત શું થાય તે તમે વિચારી શકો છો. એક તરફ સામાન્ય લોકો જો નિયમ ભંગ કરે તો જાણે કોઈ મોટો ગુનો કર્યો હોય તેમ ત્રાટકી આવતી અને મોટાં મોટાં દંડ ફટકારતી પોલીસને પણ આવા બનાવો દેખાતા નથી! આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ફરીથી ચર્ચા જાગી છે કે, જે સરકાર કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવાની સુફિયાણી સલાહ આપી રહી છે તેમના જ નેતાઓ કેમ છડેચોક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે?


તપાસના આદેશ અપાયા: કોરોનાની માર્ગદર્શિકાનું સરેઆમ ઉલ્લંઘન થતું હોય તેવો બનાવ સામે આવ્યા બાદ સરકાર તરફથી આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. જોકે, આ અંગે કોણ અને શું તપાસ થશે તે જોવાનું રહ્યું. ખરેખર તો આ કેસમાં રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડવો જોઈએ.


આ મામલે સામાજિક કાર્યકર રોમેલ સુતરિયાએ જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ જ આ રીતે મોટી સંખ્યા ભેગી કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે. આ મામલે મેં તાપી જિલ્લાના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. આ મામલે પોલીસે જાતે જ સુઓમોટો લઈને કાર્યવાહી કરવાની જરૂર છે. આ મામલે માત્ર દંડ નહીં ફટકારવાથી ન ચાલે, નેતા સામે પાસાની કલમ લગાડવી જોઈએ.


કોઈએ ફોન ન ઉઠાવ્યા: આ વીડિયો વાયરલ થયા બાદ ન્યૂઝ18 ગુજરાતીએ તાપી કલેક્ટર, એસ.પી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, બીજેપી નેતા કાંતિ ગામિતનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કોઈએ ફોન ઉપાડ્યો ન હતો.


અમે કોઈને બોલાવ્યા નથી: આ મામલે વાતચીત કરતા બીજેપી નેતા કાંતિ ગામિતે જણાવ્યું હતું કે, "અમે કોઈને બોલાવ્યા ન હતા. તમામ લોકો જાતે જ આવ્યા હતા. દર વર્ષે તુલસી વિવાહના દિવસે અમે આ રીતે ઉજવણી કરીએ છીએ. આ વખતે મારી પૌત્રીની સગાઈ હતી. અમને કોરોનાની ગાઇડલાઇનનું ભાન હતું. ગામડાઓમાં કોરોના નથી. શહેરમાંથી આવતા લોકો કોરોના લઈને આવે છે. અહીં લોકો માસ્ક પણ નથી પહેરતા."


જિલ્લા કલેક્ટર, એસ.પી. અને નેતા સામે ફોજદારી કેસ કરો: આ મામલ પ્રતિક્રિયા આપતા ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનિષ દોશીએ જિલ્લા કલેક્ટર, એસ.પી. અને બીજેપી નેતા સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગણી કરી છે. મનિષ દોષીએ જણાવ્યું હતું કે, "વિજય રૂપાણી સરકારમાં થોડા પણ શરમ હોય તો આ કેસમાં તેમના નેતા સામે કાર્યવાહી કરે. રાજ્ય સરકાર સબ-સલામતના દાવા કરે છે. સામાન્ય માણસને લગ્ન કરવા પોલીસની મજૂરી લેવી પડે છે અને સરકાર સાથે જોડાયેલા નેતા છ હજાર લોકોની ભીડ એકઠી કરે છે ત્યારે એપિડેમિક એક્ટ ક્યાં છે? આનાથી સાબિત થાય છે કે કાયદો ફક્ત સામાન્ય માણસ માટે જ છે.