આટલું તો ચાલશે! 'નયને કોલેજમાં જવાની ઉતાવળમાં હેલ્મેટ ન લીધુ અને....', આળસ સુખદ લાગે, પણ અંત દુઃખદ

News18 Gujarati
Updated: September 18, 2021, 12:43 AM IST
આટલું તો ચાલશે! 'નયને કોલેજમાં જવાની ઉતાવળમાં હેલ્મેટ ન લીધુ અને....', આળસ સુખદ લાગે, પણ અંત દુઃખદ
પ્રતિકાત્મક તસવીર

બાઈક પરથી ફંગોળાયો. પડ્યો, માથું ફુટપાટની ધાર પર જોરદાર અથડાયું અને નાળિયેરની જેમ ફૂટી ગયું. એક હોનહાર યુવાનનો જીવનદીપ બુઝાઈ ગયો. તેના માતા-પિતાના નયનદીપ પણ જાણે હંમેશ માટે બીડાઈ ગયા

  • Share this:
- ભક્તિ દવે - BAPS

નયને કોલેજમાં જવાની ઉતાવળ હતી. આજે કોલેજનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી તે એક મોટી બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ વિભાગમાં જોડાવાનો છે. અરીસામાં જોઈ તે સહેજ મલકાયો. કેમ ન મલકાય? આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી આ બેંકે તેને ચાર મહિના પહેલા કેમ્પસ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ કર્યો હતો. વાર્ષિક પેકેજ હતું 6 લાખ! ફાઇનાન્સ સારું કર્યું. તેના માતા-પિતા ગર્વભેર નયનને જોઈ રહ્યા.

ત્રેવીસ વર્ષનો નયન તેમની આંખો હતી. નયને બારણું ખોલ્યું અને હેલ્મેટ લેવાનું યાદ આવ્યું. તેણે વિચાર્યું: ‘જવા દે, આજે ચાલશે. પાછું રૂમમાં ક્યાં જવું? એક દિવસમાં શું વાંધો આવશે?’ બાઈકને કિક મારીને ઉપડ્યો. ઉપડ્યો નહીં જાણે ઊડ્યો.

બાઈક હાઇવે પર આવી એક ગાડીને ઓવરટેક કરી, પછી બીજી, ત્રીજી…ત્યારબાદ તે ખટારાને ઓવરટેક કરવા ગયો અને સાઈડમાંથી નીકળતા બેલેન્સ ગુમાવતા તે બાઈક પરથી ફંગોળાયો. પડ્યો, માથું ફુટપાટની ધાર પર જોરદાર અથડાયું અને નાળિયેરની જેમ ફૂટી ગયું. એક હોનહાર યુવાનનો જીવનદીપ બુઝાઈ ગયો. તેના માતા-પિતાના નયનદીપ પણ જાણે હંમેશ માટે બીડાઈ ગયા. નયનને તેની આળસની અને ચલાવી લેવાની ભારે કિંમત ચૂકવવી પડી. આળસ જીવતા માણસની ચિતા છે.

આળસ કલાકોમાં નથી હોતી, સેકન્ડમાં હોય છે. પરંતુ તેની સજા જિંદગીભરની હોય છે. મહાભારતમાં કહ્યું છે ‘સુખં દુખાન્તમાલસ્યમ્’ આળસ સુખદ લાગે છે, પણ તેનો અંત દુઃખદ હોય છે.

મનુષ્યમાત્ર સ્વતંત્રતા ઇચ્છે છે, પણ તેને આળસ બાંધી રાખે છે. માણસ સ્થૂળ રીતે બંધાયા વિના જેના બંધનમાં આવે તે આળસ. આ અદૃશ્ય બંધનને લીધે માણસ ઇચ્છા હોવા છતાં સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. આળસ ‘વિચાર અને વર્તન વચ્ચેની મોટી ખાઈ’ છે. આળસ એ જીવનની બરબાદીનું મોટું કારણ છે.નીતિશતકમાં ભર્તૃહરિ કહે છે:

આલસ્યં હિ મનુષ્યાણાં, શરીરસ્થો મહાન્ રિપુ: |
નાસ્ત્યુદ્યમસમો બન્ધુકર્યં, કૃત્વા નાવસીદતી ||

આળસએ મનુષ્યના શરીરમાં રહેલો મોટો શત્રુ છે. ઉદ્યમ સમાન બીજો કોઇ બંધુ નથી. ઉદ્યમ કરવાથી મનુષ્ય કદી દુઃખી થતો નથી.
આળસ શત્રુ હોવા છતાં મનુષ્ય તેને ઓળખી શકતો નથી ને તેની જાળમાંથી છૂટી શકતો નથી.

આળસ એ સમયનો ચોર છે. જેને આળસ હોય તેના કલાક એમને એમ નીકળી જાય પણ કરવાનું કામ થતું નથી. ‘આજે કરવાનું કાલે કરીશું…..આખી જિંદગી તો પડી છે…!!’આવા આળસુને અંગ્રેજીમાં લેઝીબોન કહેવામાં આવે છે. પરંતુ જેને સફળતા મેળવવી હોય તેને કોઈ રીતે આળસ રાખવી પરવડે એમ નથી !

એકવાર આઈન્સ્ટાઈનને પૂછવામાં આવ્યું કે, “તમારી સફળતાનું રહસ્ય શું છે?” આઇન્સ્ટાઇને જવાબ આપ્યો : “સંકલ્પ, ધ્યેય, આયોજન, શ્રમ.” મહાન વૈજ્ઞાનિકની સફળતાના આ સોનેરી સૂત્રમાં ક્યાંય આળસનો પગપેસારો નથી. દુનિયાની સફળ વ્યક્તિઓના જીવનનો એક જ મંત્ર હોય છે -ચરૈવેતિ ચરૈવેતિ… કહેતાં ચાલતા રહો ચાલતા રહો…

આ પણ વાંચોબાળકનું ઘડતર કઈ દિશામાં?

જેને ધ્યેયની સ્પષ્ટતા હોય તેને જાગૃતિ રહે છે જેને જીવનમાં સફળતા મેળવવી છે તેને મોળા વિચાર આવતા જ નથી. ધ્યેયની સ્પષ્ટતાએ યુક્ત માણસ સતત કાર્યશીલ હોય છે તેને માત્ર સફળતા જ દેખાય છે. આથી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કહે છે કે ‘આ કામ એક સેકન્ડ પછી કરીશ એવો વિચાર આવે એનું નામ આળસ.’ પ્રમુખસ્વામી મહારાજે તેમના જીવનમાં ક્યારેય આળસને અવકાશ જ આપ્યો નથી. તેમને ૫૫થી વધુ દેશોમાં ૧૭000 થી વધુ ગામડામાં, ૨૫૦૦૦૦ લાખથી વધુ ઘરોમાં પધરામણી કરી છે. અરે! તેમણે ૭૦૦૦૦૦થી વધુ પત્રોનું લેખન કર્યું છે. આ ઉપરાંત ૧૧૦૦થી બધું મંદિરોનું નિર્માણ કરાવ્યું છે. ગાંધીનગર અને દિલ્હીમાં તેમને અક્ષરધામની રચના કરી છે. આ વિરલ સિદ્ધિ પાછળ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની કર્મઠતા હતી. કર્મઠતાની આવી ઉચ્ચ જાગૃતિ જો વિશ્વના સમગ્ર માનવીને આવે તો વિશ્વની સકલ કંઈક જુદું જ બની જાય.

એક કવિ કહે છે,

ઉઠ જાગ મુસાફિર ભોર ભયો, અબ રેન કહાં જો સોવત હૈ,
જો સોવત હૈ વો ખોવત હૈ, જો જાગત હૈ વો પાવત હૈ.

આમ, ચાલશે આમાં શું? પછી કરી લઈશું ! ક્યાં ઉતાવળ છે ? વગેરે આળસસૂચક શબ્દોને દૂર કરી લગનથી પુરુષાર્થ કરીને જીવનને ઉજ્જ્વળ બનાવીએ.
Published by: kiran mehta
First published: September 18, 2021, 12:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading