સૌથી ધનિક ઉમેદવાર: અમદાવાદમાં મહિને 100 રૂપિયા પગારે કરતાં નોકરી, આજે 662 કરોડના માલિક
News18 Gujarati Updated: November 22, 2022, 2:53 PM IST
ગાંધીનગરના માણસા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયંતિભાઇ પટેલ
Gujarat assembly election 2022: ગાંધીનગરના માણસા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયંતિભાઇ પટેલ. આજે તેઓ 662 કરોડ સાથે ગુજરાતના સૌથી ધનવાન ઉમેદવાર છે. જાણીએ તેમની ફર્શથી અર્શ સુધીની સફર..
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોને લઇને સ્પષ્ટતા થઇ ચૂકી છે. કાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. 182 બેઠક પર 1621 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે, ત્યારે ફોર્મ ભરવાની સાથે ઉમેદવારોની સંપત્તિ સહિતની વિગતો પણ સામે આવી રહી છે. જેમાં કેટલાક ઉમેદવારો પાસે લાખોમાં તો કેટલાક ઉમેદવારો કરોડપતિ હોવાનું પણ સામે આવ્યું છે. આજે આપણે વાત કરીશું એક એવા ઉમેદવારની જેમની સંપત્તિનો આંકડો તેમને જરૂર ચોંકાવશે. તેનાથી પણ રસપ્રદ છે તેમની ફર્શથી અર્શ સુધીની સફર..
વર્ષોથી સમાજની કરી રહ્યા છે સેવા
આજે આપણે વાત કરીશું ગાંધીનગરના માણસા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયંતિભાઇ પટેલની. જે. એસ. પટેલ છેલ્લા 25 વર્ષથી સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે. તેની આગેવાની હેઠળ અનેક સંસ્થાનો સમાજની સેવા કરી રહી છે. મનસા ગાયત્રી શક્તિપીઠ સહિતની સંસ્થાઓ દ્વારા લોકસેવાનું પાવન કાર્ય કરાય છે. સાથે જ શક્તિપીઠમાં રોજ હજારો લોકોને જમાડવા અને અનેક લોકોના વિવાહ કરાવવા સહિતનું સેવાકીય કાર્યો કરાય છે. જે.એસ. પટેલે ડાકોરમાં એક ધર્મશાળા બનાવી છે, જ્યારે તેની એક શાળામાં લગભગ એક હજાર બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે.
આ પણ વાંચો: આજે ભાજપ કાર્પેટ બોમ્બિંગ પ્રચાર પાર્ટ-2: 93 બેઠકો, 27 દિગ્ગજો, 75 સભા
ગુજરાતના સૌથી ધનવાન ઉમેદવારની સફર ક્યારેય સરળ રહી નથી. ગાંધીનગરના માણસામાંથી ભાજપના 64 વર્ષીય ઉમેદવાર જે.એસ પટેલે જીવનમાં ઘણા કપરા ચઢાણ જોયા છે. તેઓ ખેડૂત અને બિલ્ડર છે અને ઘણા લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે. ભાજપ તરફથી તેઓ અનેક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી ચૂક્યા છે. પછી તે લોકસભા હોય કે સ્થાનિક ચૂંટણીઓ.
નિભાવતા આવ્યા છે પાર્ટીની જવાબદારી
જે.એસ. પટેલ પાર્ટીએ આપેલી જવાબદારી એક કાર્યકર તરીકે નિભાવતા આવ્યા છે. તેમણે જિલ્લા અને સ્થાનિક લેવલે પણ કામ કર્યું છે. તેમણે ભાજપને કોબામાં જમીન આપી હતી, જ્યાં આજે પાર્ટીનું ક્ષેત્રિય કાર્યાલય છે. તેઓ ગાંધીનગરના માણસા સીટથી ભાજપના ઉમેદવાર છે. તેઓ આજે કરોડોની સંપત્તિના માલિક છે, પરંતુ તેમના સંઘર્ષની કહાણી પણ પ્રેરણાદાયી છે.
અમદાવાદમાં માત્ર મહિને 100 રૂપિયા પગારે નોકરી કરી
જે.એસ. પટેલ માત્ર ધોરણ 10 પાસ અને વ્યવસાયે ખેડૂત અને બિલ્ડર છે. તેમણે ખેડૂત તરીકે કામની શરૂઆત કરી હતી. જેના માટે તેમને મહિને માત્ર 100 રૂપિયા મળતા હતા. જે બાદ વર્ષ 1977માં તેઓ અમદાવાદ નોકરી કરવા આવ્યા હતા. જ્યાં પણ તેમને મહિનાના સો રૂપિયા મળતા હતા. ટૂંકા સમય માટે કામ કર્યા બાદ તેમણે લોખંડનો ધંધો કર્યો હતો. તેમણે મિલમાં પણ વિવિધ કામો કર્યા હતા અને જે બાદ તેઓ કન્સ્ટ્રક્શન લાઇનમાં આવ્યા હતા. આજે તેઓ 662 કરોડ સાથે ગુજરાતના સૌથી ધનવાન ઉમેદવાર છે.
Published by:
Azhar Patangwala
First published:
November 22, 2022, 10:28 AM IST