ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આજે બીજા તબક્કાની ચૂંટણીનાં ફોર્મ ભરવા માટે છેલ્લો દિવસ છે. આજે અલ્પેશ ઠાકોર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર દક્ષિણની બેઠક પરથી ફોર્મ ભર્યુ છે. ફોર્મ ભરતા પહેલા અલ્પેશ ઠાકોરે મંદિરમાં શીશ ઝૂકાવ્યું હતુ. આ સાથે ભવ્ય જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ બેઠક પર હાલમાં શંભુજી ઠાકોર ધારાસભ્ય છે અને તેઓ ત્રણ ટર્મથી આ બેઠક પરથી ચૂંટાઈ રહ્યા છે.
'ગુજરાતમાં પહેલા ભાઇ લોક હતા'
અલ્પેશ ઠાકોરે સંબોધનમાં જણાવ્યુ કે, 'આપણે બનાવેલું ગુજરાત અને પહેલાના ગુજરાતની પરિસ્થિતિને સમજી લોને તો પણ બીજેપી વગર તમે કોઇને મત ન આપો. આ પહેલા ગુજરાતમાં ભાઇરાજ ચાલતુ હતુ. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ડોન અને તેમનું સમર્થન પહેલાની સરકાર કરતી. આ સાથે અલ્પેશે જણાવ્યુ કે, ભાજપની સરકારે ગુજરાતને બદલી નાંખ્યું.'
દક્ષિણ ગાંધીનગર બેઠક પર શંભુજી ઠાકોરનું પત્તુ કાપી અલ્પેશ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણથી ભાજપનાં ઉમેદવાર શંભુજી ચેલાજી ઠાકોરે જીત મેળવી હતી. જ્યારે તેમની સામે કોંગ્રેસનાં ગોવિંદ ઠાકોરે ચૂંટણી લડી હતી.
2017ના ચૂંટણી પરિણામ પર એક નજર
ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી.
આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.