Gujarat BJP Candidate first List: ગુજરાતમાં બીજેપીને પ્રથમ યાદી જાહેર થાય તે પહેલા જ પાંચ જેટલા સીનિયર નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. જેમાં વિજય રૂપાણી અને નીતિન પટેલના નામનો સમાવેશ થાય છે.
અમદાવાદ: બુધવારે રાત્રે પીએમ મોદીની હાજરીમાં બીજેપીની બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવાને લઈને ચાર કલાક સુધી મનોમંથન ચાલ્યું હતું. આ દરમિયાન ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા. એવા અહેવાલ હતા કે બુધવારે રાત્રે જ બીજેપી તરફથી ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવશે. જોકે, ગુરુવાર સવાર સુધી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ન હતી. જોકે, આ દરમિયાન ભાજપે એક નવતર પ્રયોગ કર્યો છે. સામાન્ય રીતે બીજેપી ઉમેદવારોના નામને લઈને અંતિમઘડી સુધી સસ્પેન્સ રાખે છે. જોકે, આ વખતે બીજેપીએ ઉમેદવારોને રાત્રે જ ફોન કરીને ફોર્મ ભરવા માટે તૈયાર રહેવાની જાણ કરી દીધી હતી. ગુરુવારે સવારે આ તમામ ઉમેદવારોએ પોતાને ફોન આવ્યાની જાણ મીડિયાને કરી હતી. એટલે કે, સત્તાવાર યાદી જાહેર થયા પહેલા જ ઉમેદવારોના નામ સામે આવવા લાગ્યા હતા.
ભાજપના સીનિયર નેતાઓ ચૂંટણી નહીં લડે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા લઈને બુધવારે સાંજે મોટા સમાચાર સામે આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને ભુપેન્દ્ર ચુડાસમા જેવા દિગ્ગજ નેતાઓએ વિધાનસભામાં ચૂંટણી નહીં લડવાની જાહેરા કરી છે.
ભાજપના સીનિયર નેતા આર સી ફળદુએ પણ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. તેમણે ભાજપ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખીને જાણ કરી છે.આ પણ વાંચો: આજે જાહેર થઈ શકે છે ભાજપ ઉમેદવારોની યાદી
પ્રદિપસિંહ જાડેજા પણ નહીં લડે ચૂંટણી
પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ આ વખતે ચૂંટણી નહીં લડે. તેવી તેમના દ્વારા સી આર પાટીલને પત્ર લખીને જાણ કરવામાં આવી છે.
મેં એક વર્ષ પહેલા જાહેરાત કરી હતી: ભુપેન્દ્ર ચુડાસમા
ભુપેન્દ્ર ચુડાસમાએ પણ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, મે સ્વેચ્છાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છેય તેમણે વધુમાં કહ્યું કે, મે એક વર્ષ પહેલા જ આ જાહેરાત કરી હતી.