ગાંધીનગર: રાજ્યમાં ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પહેલી યાદીમાં 182માંથી 160 ઉમેદવારોનાં નામ જાહેર કરી દેવાયા છે. પહેલા તબક્કાની 89 બેઠકો પૈકી 83 બેઠકોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે છ બેઠકોનાં ઉમેદવારોનાં નામ પર મહોર લાગવાની બાકી છે. ગત ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવારોને પણ ભાજપે પહેલી યાદીમાં જાહેર કર્યા છે.
ભાજપની પહેલી યાદીમાં થરાદ, મોડાસા, જમાલપુર-ખાડિયા, ધંધુકા, માંગરોળ, તળાજા, આણંદ, સોજીત્રા, બાલાસિનોર અને દાહોદ બેઠકો પરથી ઉમેદવારો હારી ગયા હતા. ત્યારે ભાજપે ફરીથી તેમની પર વિશ્વાસ મુક્યો છે.
આ બેઠકોમાં ભાવનગર પૂર્વ, ધોરાજી, કુતિયાણા, ખંભાળિયા, ચોર્યાસી, ડેડિયાપાડા બેઠકના ઉમેદવારનાં નામ જાહેર કરવાના હજુ બાકી છે. ત્યારે ચર્ચા થઇ રહી છે કે, આ ઉમેદવારોનાં નામ પાછળ ભાજપને તમામ ગણિત ગણવા પડે તેમ છે. નોંધનીય છે કે, પ્રથમ તબક્કા માટે ચાર દિવસ બાદ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. 14મી નવેમ્બરનાં રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આપને જણાવીએ કે, છ બેઠકોમાંથી બે બેઠકો પર હાલ ભાજપ પાસે છે. આ ઉપરાંત બે કોંગ્રેસ અને એક બેઠક એનસીપી અને બીટીપી પાસે છે.
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
ગુજરાતમાં કુલ મતદારો કેટલા?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.