તૌકતે વાવાઝોડા સામે ગુજરાત સજ્જ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંભવિત સ્થિતિની કરી સમિક્ષા


Updated: May 16, 2021, 4:08 PM IST
તૌકતે વાવાઝોડા સામે ગુજરાત સજ્જ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંભવિત સ્થિતિની કરી સમિક્ષા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (ફાઈલ ફોટો)

કેન્દ્રીય ગૃહમંત્રીએ વાવાઝોડાની સ્થિતિમાં વીજ અને ઓક્સિજનનો પુરવઠો વિક્ષેપરહિત મળી રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા સહિતના દિશા-સૂચનો કર્યા હતા

  • Share this:
ગાંધીનગર : રાજ્ય પર તૌકતે વાવાઝોડા (Tauktae cyclone)નો ખતરો મંડરાઈ રહ્યો છે. વાવાઝોડાથી રાજ્યમાં ખાના ખરાબી ન થાય તે માટે તંત્ર કામે લાગી ગયું છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (amit shah) ગુજરાત, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ અને દીવ-દમણના પ્રશાસક સાથે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંભવિત વાવાઝોડાની સ્થિતિના સામના માટે રાજ્યોના આયોજનની સમીક્ષા કરી છે.

ગુજરાત રાજ્ય “ઝીરો કેઝ્યૂઅલ્ટી” અભિગમ સાથે “તાઉંતે" વાવાઝોડાનો સામનો કરવા સજ્જ છે, તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ આજની તેમની ભાવનગરની મુલાકાત દરમિયાન જણાવ્યુ હતું. ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સંવાદ સાધતા સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની પરિસ્થિતિમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કોવીડગ્રસ્ત દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યું છે અને વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી કરી છે.

ઉલ્લેખનીય છે કે આજે ભાવનગર શહેર અને જિલ્લાની કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવાર વેગેરે ની સમિક્ષ્રા માટે મુખ્યમંત્રી રુપાણી ભાવનગરની મુલાકાતે હતા. ભાવનગર જિલ્લો પણ સંભવિત વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારમાં હોવાથી મુખ્યમંત્રીએ જિલ્લા તંત્રવાહકો સાથે આ સંભવિત વાવાઝોડા સામે આપદા પ્રબંધન અંગે વિગતવાર ચર્ચા હાથ ધરી તલસ્પર્શી વિગતો મેળવી હતી.

આ પણ વાંચો - 'વાવાઝોડાથી એક પણ મોત નહીં થાય, Covid દર્દીઓ માટે પણ કરાઈ વ્યવસ્થા', જુઓ - સરકારની તૈયારી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંભવિત વાવાઝોડા થી અસર પામનારા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નવીદિલ્હી થી યોજેલી વિડિયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં વિજય રૂપાણી ભાવનગર કલેકટર કચેરીથી જોડાયા હતા. મુખ્યમંત્રીએ અમિતભાઈ શાહને ગુજરાતની સજજતા અંગે વાકેફ કરતા જણાવ્યું હતું કે, જો વાવાઝોડું ત્રાટકે તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કોવીડ હોસ્પિટલોને “વીન્ડ પ્રૂફીંગ” બનાવવા માટેની તૈયારી સંદર્ભે જરુરી દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે જો સ્થિતિ વણસે તો તે સંજોગોમાં કોવીડના દર્દીઓને ધ્યાને લઈ કચ્છ, જામનગર, ભાવનગર સહિતના જિલ્લામાં 85 થી વધુ ICU એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તેમણે વાવાઝોડના પગલે ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે કરાયેલા આગોતરા આયોજન વિશેની વિગતો આપતા કહ્યું કે, કોવીડ હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનનો અવિરત પુરવઠો મળી રહે તે માટે “ક્રિટિકલ રુટ” તૈયાર કરાયો છે તેમ જ બફર સ્ટોકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.આ પણ વાંચોLive Video: લોકો દેખતા રહ્યા ને યુવતીએ લગાવી તળાવમાં છલાંગ, બહેનને તડપતી જોઈ ભાઈ પણ કુદ્યો, અને પછી...

ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી દરિયો ખેડવા ગયેલા તમામ માછીમારો સહી સલામત પરત આવી ગયા હોવાની વિગતો આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની 26થી વધુ ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. રુપાણીએ કેન્દ્રીય ગૃહમંત્રીને એમ પણ જણાવ્યું કે વાવાઝોડા અંગે અગમચેતીના પગલારૂપે વનવિભાગ અને માર્ગ-મકાન વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે અને રોડ રસ્તા પર વૃક્ષો પડી જાય તો તાત્કાલિક દૂર કરી કોમ્યુનિકેશન ઝડપથી પૂર્વવત કરવાની સૂચનાઓ આપી છે.

તેમણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં લઈ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને વીજ પુરવઠો ખોરવાય નહિ તેની તેમજ જો વીજ પુરવઠાને અસર પડે તો ત્વરાએ પૂર્વવત કરી દેવાની તાકીદ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને દીવ-દમણના પ્રશાસક પ્રફૂલ્લ પટેલ પણ જોડાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ વાવાઝોડાની સ્થિતિમાં વીજ અને ઓક્સિજનનો પુરવઠો વિક્ષેપરહિત મળી રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા સહિતના દિશા-સૂચનો કર્યા હતા. તેમણે વહીવટીતંત્રને સ્વૈચ્છીક સંગઠનો સાથે સહયોગ સાધવા પણ અનુરોધ કર્યો હતો.
Published by: kiran mehta
First published: May 16, 2021, 4:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading