રાધનપુર બેઠક પર અલ્પેશને પાટીલની 'લીલીઝંડી' બાદ ભાજપમાં કકળાટ, સમીમાં 11મીએ મહાસંમેલન
News18 Gujarati Updated: October 8, 2022, 10:20 AM IST
સીઆર પાટીલે આડકતરી રીતે અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી શુભેચ્છાઓ આપતા સ્થાનિક નેતાઓ ટિકિટની માંગને લઈને આકરા પાણીએ છે.
Gujarat Assembly Election 2022: અલ્પેશ ઠાકોરની 'પરણવા'ની ઇચ્છા સામે સીઆર પાટીલે શુભેચ્છાઓ પાઠવી આડકતરી રીતે લીલીઝંડી આપી હતી. જે બાદ હવે રાધનપુર બેઠક પર રાજકારણ ગરમાયું છે અને સ્થાનિક નેતાઓ આકરા પાણીએ છે.
પાટણ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં રાજકીય હલચલ વધી રહી છે. આવામાં રાધનપુર વિધાનસભા વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે. ટિકિટ મુદ્દે રાધનપુરમાં ખુદ ભાજપ સામે હવે ભાજપ આવી ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાધનપુર ભાજપમાં અંદર-અંદર બે ભાગલા થયા હોવાનું સામે આવી રહ્યું છે. સી.આ.ર પાટીલે આડકતરી રીતે અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી શુભેચ્છાઓ આપતા સ્થાનિક નેતાઓ ટિકિટની માંગને લઈને આકરા પાણીએ છે. રાધનપુર બેઠકની ટિકિટને લઈને ભાજપમાં જ કકળાટ સામે આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોરની આગેવાનીમાં મહાસંમેલન યોજાશે. 11 ઓક્ટોબરે સમીના રણાવાડા ગામે અઢારે અલામના નામે મહાસંમેલન યોજાશે. 'જીતશે સ્થાનિક હારસે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક' તેવા લખાણવાળી પત્રિકા ફરતી થઈ છે.
સીઆર પાટીલે શું કહ્યું હતું?
અગાઉ ચાણસ્મા ખાતે શસ્ત્રપૂજનમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું હતું. રાધનપુર વિધાનસભા મત ક્ષેત્રના ભાજપના સંભવિત ઉમેદવાર અલ્પેશ ઠાકોરને સીઆર પાટીલે લીલીઝંડી આપી હતી. રાધનપુર સીટ પરથી લડશે અને જીતશે તેવો આશાવાદ પણ સીઆર પાટીલે વ્યક્ત કર્યો હતો. ચાણસ્મા બેઠક પર દિલીપ ઠાકોર ચૂંટણી લડશે તેના પણ સંકેત સીઆર પાટીલે આપ્યા હતા. આમ, પાટણ જિલ્લાની બે સીટ પર ઉમેદવાર અંગે સીઆર પાટીલે આડકતરી રીતે સંકેત આપ્યા હતા.
આ પણ વાંચો: દેવી દેવતાઓનું સન્માન કરું છું, હાથ જોડીને લોકો પાસે માફી માગું છું: કેજરીવાલના મંત્રીએ પલ્ટી મારી
'મારે અહીંથી જ પરણવું છે'
અગાઉ રાધનપુરમાં બનાસડેરીની મહિલા જાગૃતિ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી સામેલ થયા હતા. ત્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરના રાધનપુરથી ચૂંટણી લડવાના હુંકારથી રાજકારણ ગરમાયું હતું. અલ્પેશ ઠાકોર ચૂંટણી માટે હુંકાર કરતા હોય તેમ સંબોધનમાં જણાવ્યું હતું કે, 'મારે પરણવું છે અહીંથી તમારે મને પરણાવવાનો છે. આ સાથે શંકર ચૌધરીએ પણ સંબોધનમાં જણાવ્યુ હતુ કે, ગયા વખતે જાન માંડવેથી પરત ફરી હતી આ વખતે બાકી ન રહી જાય તેમ પરણાવજો.'બીજી બાજુ, સીઆર પાટીલે ચાણસ્મા વિધાનસભાના જસોમાવ ગામ ખાતે યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનમાં આડકતરી રીતે ચાણસ્માના ધારાસભ્ય દિલીપજી ઠાકોરને ચૂંટણી લડવા માટે લીલીઝંડી આપી હતી. શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં શસ્ત્ર લઈને આવેલ દિલીપજીના સમર્થકોને તેમજ દિલીપજીને ટૂંક જ દિવસોમાં આવતી ચૂંટણી માટે તૈયાર રહેવા કહ્યું છે અને સાથે-સાથે સાકરતુલા કાર્યક્રમમાં દિલીપજીને જે સાકરે તોલ્યા તે સાકરને લોકોમાં વહેંચી દઈને ચૂંટણી લડવા આડકતરી રીતે તૈયારી કરવા કહી દીધું હતું.
Published by:
Azhar Patangwala
First published:
October 8, 2022, 10:01 AM IST